સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા 10 દિવસથી વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી કાળુ-પીળુ તથા દુર્ગંધયુક્ત હોવાથી નગરજનો તોબા પોકારી ઉઠ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આપવામાં આવતી પ્રાથમિક સુવિધાઓમાં નિષ્ફળ રહી છે, ત્યારે પ્રથમ પ્રાથમિકતા કે, જે શુધ્ધ પીવાનું પાણી આપવામાં પણ નિષ્ફળ રહી છે. અનેકવાર પ્રાંતિજ પાલિકામાં લાલ દરવાજા, ખોડીયાર કુવા, તપોધન વાસ, મોટોમાઢ અને ગોપીનાથ સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં કાળુ-પીળુ, કચરાવાળુ અને દુર્ગંધયુક્ત આવતા પાણીને લઈને નગરજનોની ફરીયાદ બાદ પણ પ્રાંતિજ પાલિકા તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. અને હાલ તો હોતા હે, ચલતા હે જેવી સ્થિતી જોવા મળી રહી છે. તો બીજી તરફ, દુર્ગંધયુક્ત ગંદા પાણી પીવાના કારણે લોકોને ઝાડા-ઉલ્ટી, પેટ અને ચામડીના રોગ હોવાની બૂમો ઉઠવા પામી છે, ત્યારે હાલ તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.