આપણા ઋષિ-મુનિ યોગી હતા કે, જેઓ કલાકો સુધી પાણીની અંદર રહી શકતા હતા. આજે વિશ્વ યોગ દિવસે આપણે આવા જ એક વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ કે, જે પાણીમાં યોગ કરે છે. કોરોના કાળમાં યોગ નવી ઉર્જા આપવાનું કામ કરે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રહેવાસી અને 61 વર્ષીય વૃદ્ધ એક સાચા યોગ સાધક તરીકે સાબિત થયા છે.
જમીન પર યોગ તો બધા જ કરતા હોય છે. પરંતુ પાણીમાં યોગ કરવું કદાચ તમને નવાઈ જ લાગશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 61 વર્ષિય વૃદ્ધ મહેન્દ્રસિંહ રાજપુત સ્વિમિંગ પુલના પાણીમાં યોગ કરીને બધાને ચકિત કરી દીધા છે. તેઓ તમામ પ્રકારના યોગ પાણીમાં કરે છે. આજરોજ 21મી જૂન વિશ્વ યોગ દિવસ હોવાથી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થાય છે, ત્યારે કોરોનાના કારણે લાખો લોકો પોતાના ઘરે જ રહીને યોગ કરી રહ્યા છે. યોગથી શરીર અને મન પ્રફુલિત થાય છે. તમે કદાચ સાંભળ્યુ હશે કે, પહેલાના જમાનામાં ઋષિમુનિઓ પાણીમાં યોગ કરતા હતા. આમ તો ખાસ કરીને લોકો જમીન પર, ગ્રાઉન્ડમાં કે, ગાર્ડનમાં યોગ કરતા હોય છે, ત્યારે મહેન્દ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરી રહ્યા છે.
યોગ સાધક મહેન્દ્રસિંહ રાજપુતે જણાવ્યુ હતું કે, હું બાળપણથી જ જમીન પર યોગ કરતો આવ્યો છું. છેલ્લા 15 વર્ષથી હિંમતનગરના સ્વિમિંગ પુલ શરૂ થયું ત્યારથી જ હું સ્વિમિંગ કરવા આવું છું. દંતકથાઓ અને વાર્તાઓમાં સાંભળ્યુ હતું કે, ઋષિમુનિઓ પાણીમાં યોગ કરતા હતા, ત્યારે મને વિચાર આવ્યો કે, હું એ પણ પાણીમાં યોગ કરવાનુ શરુ કર્યું હતું. મને પાણીમાં યોગ કરવાની મજા આવે છે અને મન પણ પ્રફુલિત થાય છે. ઉપરાંત કેટલાક મિત્રો પણ પાણીમાં યોગ કરતા શીખી ગયા છે. આમ તો, પાણીમાં યોગ કરવા એ થોડા કઠીન છે. પરંતુ મહેંદ્રસિંહને યોગ કરતા લોકો જોતા જ રહી જાય છે. કારણ કે, કોઈપણ સપોર્ટ વિના પાણીમાં સીધા જ રહેવુ એ આમ તો અશક્ય છે.
મહેન્દ્રસિંહ અને તેમના મિત્રો આ અશક્યને પણ શક્ય કરવામાં સફળ નીવડ્યા છે. જોકે, દુનિયામાં કઈ પણ અશક્ય નથી હોતું, તેવુ મહેન્દ્રસિંહ અને તેમના મિત્રોએ સાબિત કરી બતાવ્યુ છે. તેઓ પાણીમાં કલાકો સુધી સ્થિર રહીને યોગ કરે છે. આ રીતે યોગ કરવાથી શારીરિક અને માનસિક આરોગ્ય પણ સારું રહે છે. હાલ તો મહેન્દ્રસિંહ રાજપુતથી ઘણા લોકો પ્રેરણા લઈને આ પ્રકારે યોગ કરવાનું શીખી રહ્યા છે.