સમગ્ર રાજ્યમાં સાબરકાંઠા જીલ્લો શાકભાજીના ઉત્પાદનમાં મોખરે ગણવામાં આવે છે. પરંતુ ચોમાસાના પહેલા વરસાદ બાદ શાકભાજીના ભાવોમાં ઉછાળો આવ્યો છે. તેનું મુખ્ય કારણ છે, વરસાદ થતાં જ લીલી શાકભાજીમાં કોહવાડ લાગવો. શાકભાજીમાં કોહવાડ ફેલાતો હોવાથી ઉત્પાદનને પણ અસર પહોંચતી હોય છે. જેથી શાકભાજીના ભાવમાં ઉછાળો કારણભુત માનવામાં આવે છે.
સાબરકાંઠા જીલ્લો શાકભાજીના ઉત્પાદનમાં અગ્રેસર માનવામાં આવે છે. સાબરકાંઠાના ખેડૂતો કોબીજ અને ફ્લાવર સહીતની લીલી શાકભાજીને દેશ અને રાજ્યના મહાનગરો સુધી નિકાસ કરતા હોય છે. તો કેટલીક શાકભાજી વિદેશ પણ પહોંચતી હોય છે. પરંતુ હાલ પહેલા વરસાદ સાથે જ શાકભાજીના ભાવોમાં ઉછાળો આવતા શાકભાજીનું ઊંચા ભાવે વેચાણ થાય છે. જોકે, શાકભાજીનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે. તો બીજી તરફ ઉત્પાદનમાં ઘટાડાને લઈને ખેડૂતોને પણ નુકશાન થઈ રહ્યું છે. ખાતર, બીયારણ અને મજુરી ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને ખેડૂતોનો ખર્ચ પણ નિકળતો ન હોવાની ફરિયાદો ઉઠી છે.
હાલ તો બજારમાં શાકભાજીના ભાવમાં 30થી 40 ટકાનો વધારો જોવા મળ્યો છે. ભીંડા, ગવાર, ચોળી, દુધી, કારેલા અને ટામેટાં જેવી રોજબરોજની વપરાશની શાકભાજીના ભાવ તો જાણે કે, આસમાનને અડકી રહ્યા છે, ત્યારે શાકભાજીમાં વધેલા ભાવોના કારણે લોકોની આર્થીક શક્તિ પણ ભાંગી પડી છે. ખાસ કરીને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં મોટાભાગની શાકભાજીમાં નુકશાન જોવા મળ્યુ હતું. જેના કારણે શાકભાજીનું ઉત્પાદન ઘટતા ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે, ત્યારે હાલના સમયમાં સૌથી વધુ ખેડૂત સાથે લોકોને પણ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.