વેરાવળમાં નગરસેવિકાનો સેવાયજ્ઞ
માછીમાર સમુદાયની મહિલાઓ માટે સેવાકાર્ય
સરસ્વતી યાત્રાના શરૂ કર્યા શિક્ષણ વર્ગ
મહિલાઓને આપ્યું અક્ષરજ્ઞાન
અંગુઠો મારતી મહિલાઓ લખતા વાંચતા શીખી
ગીર સોમનાથના વેરાવળના નગરસેવિકાની અનોખી સરસ્વતી સાધના થકી માછીમાર સમુદાયની મહિલાઓને અક્ષરજ્ઞાન આપવા શિક્ષણ વર્ગ શરૂ કર્યા છે.અને આ બદલાવથી હવે 40થી વધુ મહિલાઓ અંગુઠો મારવાને બદલે પોતાનું નામ લખીને સહી કરતી થઈ છે.
"જન સમુહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે,એને દૂર કરવી જ જોઇએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આ ચિંતનને ચરિતાર્થ કરવા તથા નિરક્ષરોને સાક્ષર કરવા સમુદ્ર કાંઠાના નાના એવા ભીડીયા વેરાવળમાં અનોખી સરસ્વતી યાત્રાની શરૂઆત થઇ છે.
નગરસેવિકા ચંદ્રિકા સિકોતરીયા અભણ મહિલાઓને સાક્ષર બનાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ભીડીયા પે. સેન્ટર શાળાના તત્કાલીન આચાર્ય અને વેરાવળ TPEOના હરદાસ નંદાણીયાના વિચારથી આ પહેલ શરૂ કરવામાં આવી છે.
નંદાણીયાએ જણાવ્યું કે, શાળા માછીમાર સમુદાયના વિસ્તારમાં આવેલી છે. મોટાભાગના વિદ્યાર્થીઓના માતા-પિતા અભણ અથવા ઓછું ભણેલા છે. ચોમાસામાં માછીમારી બંધ રહેતી હોવાથી મહિલાઓને અક્ષરજ્ઞાન આપવાનો વિચાર આવ્યો.પરંતુ આ માટે સમુદાયમાંથી જ જો કોઈ શિક્ષિત વ્યક્તિ આગળ આવે એ અનિવાર્ય હતું અને આ માટે ચંદ્રિકાબેન આગળ આવ્યા અને સરસ્વતી યાત્રાની શરૂઆત થઇ છે.
આ અભિયાનમાં નગરસેવિકા ચંદ્રિકાબેન સિકોતરીયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ પોતે શિક્ષિત છે અને સમુદાયના ઉત્કર્ષ માટે કાર્યરત રહે છે. તેમણે મહિલાઓના અભ્યાસ વર્ગ ચલાવવાની જવાબદારી સ્વીકારી છે. નગરસેવિકા ચંદ્રિકાબેન સિકોતરીયા દરરોજ બપોરે 3 થી 5 દરમિયાન શિક્ષણ વર્ગ ચલાવે છે.ગત વર્ષે શરૂ થયેલા આ વર્ગોમાં 40થી વધુ મહિલાઓ જોડાઈ હતી. આ વર્ષે પણ એટલી જ મહિલાઓ અભ્યાસ કરી રહી છે.
ચંદ્રિકા સિકોતરીયાએ જણાવ્યું હતું કે, અભણ હોવું એ અભિશાપ સમાન છે અને મારે મારા સમુદાયની મહિલાઓને અભણ હોવાના અભિશાપમાંથી મુક્તિ અપાવવી એ મારી નેમ છે.
આજે સમાજમાં શિક્ષણએ સમાજની ઉન્નતિનો પાયો ગણવામાં આવે છે. જો માતા શિક્ષિત હશે તો એ એના બાળકોને પણ જરૂર શિક્ષિત બનાવશે. મને ખુશી છે કે હું આ કાર્ય માટે નિમિત્ત બની છું આજે અનેક બહેનો જે અંગુઠો મારતી તે સહી કરવાની સાથે લખતા વાંચતા શીખી ગઈ છે.
સરસ્વતી યાત્રાના વર્ગમાં અક્ષરજ્ઞાન મેળવનાર હર્ષિદાબેન લોઢારી અને હંસાબેન ડાલકીએ જણાવ્યું કે પહેલા બેંકમાં સહીની જગ્યાએ અંગુઠો મારવો પડતો હતો. હવે તેઓ જાતે બેંકમાં જઈને સહી કરે છે. તેઓએ ચંદ્રિકાબેનનો આભાર માન્યો છે.