ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણકક્ષા સુધી ભરાવવા માટે માત્ર દોઢ મીટર જ દૂર રહ્યો છે ત્યારે નર્મદાના નીરના વધામણા કરવા આયોજન થઈ રહ્યું છે
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હવે છલકાવવાની તૈયારીમાં છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વાર 137.10 મીટરની સપાટીએ પહોંચ્યો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 3.95 લાખ ક્યુસેક પાણીની આવક છે. તો ડેમમાંથી કુલ 3.16 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની જળ સપાટી 137.10 મીટર પહોંચતા ડેમ તેની પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી પહોંચવામાં માત્ર 1.58 મીટર દૂર છે.
તારીખ 17 મી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે આવતીકાલ સુધીમાં ડેમને પૂર્ણ રીતે ભરી વડાપ્રધાનને જન્મદિવસની ભેટ આપવામાં આવશે તેવુ આયોજન નર્મદા નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ રીતે ભરાતા સમગ્ર ગુજરાતને ઉનાળામાં પીવાના પાણીની તંગી નહીં પડે. તો આ તરફ નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા ત્રણ 3.16 લાખ ક્યુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે નર્મદા નદીની જળ સપાટી 20.67 ફૂટે સ્થિર જોવા મળી રહી છે પરંતુ નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણી પર તંત્ર નજર રાખી રહ્યું છે.