નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર રબારીનો પદગ્રહણ સમારોહ
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રહ્યા ઉપસ્થિત
ભરૂચમાં AAP-કોંગ્રેસના ગઠબંધન અંગે પ્રતિક્રિયા આપી
મુમતાજ પટેલ અને ફૈઝલ પટેલ નારાજ નથી : શક્તિસિંહ
પાટણ જિલ્લા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ ઘેમર રબારીના પદગ્રહણ સમારોહમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 13 જિલ્લામાં નવા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ ઘેમર રબારીના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી મહુડી મંડળે જે નિર્ણય લીધો છે, તેને “દલો કા નહીં દિલો કા મિલન” ગણાવ્યું હતું. આ સાથે જ ભરૂચ બેઠક પર AAP અને કોંગ્રેસના ગઠબંધનને લઈને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યુ હતું કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલને કોઈ નારાજગી નથી, તેઓ કોંગ્રેસ સાથે જ જોડાયેલા છે.
આ સાથે જ સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અપક્ષમાંથી ચૂંટણી લડશે તેવી કોઈ તૈયારી નહીં થાય, તેમજ આગામી ચૂંટણી કોંગ્રેસ પક્ષ બધાને સાથે રાખી મજબૂતીથી લડશે તેવું પણ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતું.