/connect-gujarat/media/post_banners/6090e564feecb651dd26f4c1a3b7d6224d89a63b523bf557dd59155ff25013de.jpg)
હિંમતનગરના ઇલેક્ટ્રોનિકસનો વ્યવસાય કરનારા એક કલાકારે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી ગણેશજીની એક આકૃતિનું નિર્માણ કર્યું છે, આ શ્રીજીની આકૃતિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
સમગ્ર ગુજરાતભરમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના એક કલાકારે પોતાના અનોખા અંદાજમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી. પોતાની કલા થકી તેઓ ગણેશજીને અલગ અલગ રૂપમાં રજૂ કરી પોતાની શ્રદ્ધા બતાવી રહ્યા છે. આ છે હિંમતનગરમાં ઇલેક્ટ્રોનિકસનો વ્યવસાય કરનારા હિતેશ પંચાલ... હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તેઓએ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી ગણેશજીની એક આકૃતિનું નિર્માણ કર્યું છે. તેમનો ગણેશજી પ્રત્યેનો અનુરાગ તેમના દ્વારા સર્જાયેલા કેનવાસ પેઇન્ટિંગ, પેપર કટિંગ અને પેન્સિલ આર્ટમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. ગણેશજીના વિવિધ રૂપોને તેમને મૌલિકતાથી આલેખ્યા છે અને તેમને ચિત્રદેહ આપ્યો છે. માત્ર આટલું જ નહીં તેમાં પથ્થરના કલર પૂરીને તેમણે ગણેશજીની એક અનોખી આભા ઉપસાવી છે.
હિતેશભાઈએ અત્યાર સુધીમાં 700થી વધુ ગણપતિના ચિત્રો દોર્યા છે, તો 300 થી વધુ પેપર કટિંગ કરીને ગણેશજીના આકાર ઉપસાવ્યા છે. તો વર્ષ દરમિયાન હિંમતનગર સહિત આજુબાજુના વિસ્તારમાં કોઈના પણ ઘરે લગ્ન પ્રસંગ કે અન્ય કોઇ શુભ પ્રસંગ હોય તો તેઓ તેના ઘરે જઈ નિશુલ્ક રીતે દિવાલ પર ગણેશજીના પેન્ટિંગ પોતાના ખર્ચે દોરી આપે છે.