Connect Gujarat
ગુજરાત

સુરત : ભાજપ મહિલા કોર્પોરેટરની પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ, જાણો કેમ લખવો પડ્યો પત્ર..!

પીપલોદ-ડુમસ રોડ પર સ્થાનિક પોલીસનો અભદ્ર વ્યવહાર, ભાજપની મહિલા કોર્પોરેટરે કરી પોલીસ કમિશનરને ફરિયાદ

X

હાલ કોરોના કાળમાં ગરીબ અને જાત મહેનત કરનારા સામાન્ય લોકો સાથે પોલીસના અવ્યવહારીક વર્તન બાબતે સુરત ખાતે ભાજપમાંથી વિરોધનો સૂર ઉઠ્યો છે. જેમાં ભાજપની મહિલા કોર્પોરેટરે પોલીસ કમિશનરને પત્ર લખી ગરીબો સાથે સન્માનપૂર્વક વર્તન કરવા વિનંતી કરી છે.

કોરોનાના કપરા સમયમાંથી સુરત માંડ ઉગરી રહ્યું છે. કોઈએ પોતાનો પતિ ખોયો તો કોઈએે અન્ય સ્વજન ગુમાવ્યા છે. કોઈકના ઘરના હપ્તા ભરાયા નથી તો કોઈકે પોતાની પૂંજી ખોઈ છે. કોઈક ઘરેણાં વેચીને ઘર ચલાવી રહ્યું છે. રોજ માંડ 500 થી 1000 રૂપિયાનો ધંધો કરનારા આ પરિવારમાં ઘણાના મોભી પણ નથી, ત્યારે વોર્ડ નં. 22ના વેસુ-ભટાર-ડુમસના ભાજપના કોર્પોરેટર કૈલાશ સોલંકીએ પોલીસ કમિશનરને પત્ર મારફતે જણાવ્યું હતું કે, ડુમસ રોડ તથા પીપલોદ વિસ્તારમાં પોલીસ લારી ગલ્લાવાળાઓને રંજાડી રહી છે.

અનેકવાર આ વિસ્તારના કોર્પોરેટર તરફથી પોલીસને વિનંતી કરવા છતાં પોલીસ લારી તેમજ સામાન તોડી નાખે છે. બહેનો સાથે અપશબ્દોનો પ્રયોગ કરાય છે, તેમના વિરુદ્ધ કેસ કરાય છે. સરકારની ગાઇડલાઇનનું પાલન કરી સ્વમાનથી 2 પૈસાની હવે કમાણી કરતા થયા છે, ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓનું અભદ્ર-અશોભનીય અને ઓરમાયું વર્તન પોલીસ વિભાગને કલંકિત કરી રહ્યું છે. જેથી આ મામલે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા ભાજપના કોર્પોરેટર કૈલાશ સોલંકીએ પોલીસ કમિશનરને પત્ર લખી માંગ કરી છે.

Next Story