અમેરિકા ટેરિફને લઈ સુરત ડાયમંડ ઉદ્યોગ પર મોટી અસર
ડાયમંડ ઉદ્યોગ શોર્ટ ટર્મ માટે ઠપ થવાની શક્યતા
ટેરીફ લાદવાથી મેન્યુફેક્ચરિંગ પર મોટી અસર થશે
1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફથી પોલિશ્ડ ડાયમંડ પર અસર
ડાયમંડ ઉદ્યોગમાં મંદીમાં પડતા પર પાટુ સમાન ઘાટ ઘડાયો
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેને લઈને સુરતના ડાયમંડ-જ્લેલરીને મોટી અસર થશે. વિશ્વમાં 10માંથી 9 હીરા સુરતમાં બને છે, જેનો સૌથી મોટો ખરીદદાર દેશ અમેરિકા છે.ત્યારે ડાયમંડ ઉદ્યોગો પર તેની માઠી અસર થવાની ભીતિ ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે.
સુરતમાં 450થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપની છે, જેમાંથી મોટાભાગના અમેરિકામાં એક્સપોર્ટ કરે છે. જેથી અમેરિકાએ 25 ટકા ટેરિફની જાહેરાત કરતાં ડાયમંડ-જ્વેલરી ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો પડશે. 25 ટકા ટેરિફને કારણે અમેરિકાની માર્કેટમાં હીરો 25 ટકા મોંઘો થઈ જશે, જેના કારણે ખરીદારો અને વેપાર પણ ઘટવાની સંભાવના છે.
વર્ષ 2024-25માં અમેરિકામાં 42 હજાર કરોડ રૂપિયાના નેચરલ ડાયમંડ એક્સપોર્ટ થયા હતા.તેના પર 25 ટકા ટેરિફ ગણવામાં આવે તો 10,500 કરોડ રૂપિયા થાય છે, જ્યારે 5,800 કરોડ રૂપિયાના લેબગ્રોન ડાયમંડ અમેરિકામાં એક્સપોર્ટ થયા હતા. તેના પર 25 ટકા ટેરિફ ગણવામાં આવે તો 1,470 કરોડ રૂપિયા થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ડાયમંડ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રી છેલ્લા 3 વર્ષથી મંદીમાંથી પસાર થઈ રહી છે, ત્યાં અમેરિકન સરકારે 25 ટકા ટેરિફ લાદવાની જાહેર કરતાં સૌથી મોટી અસર આ ઈન્ડસ્ટ્રીને થવાની શક્યતાઓને નકારી ન શકાય.