સુરતમાં પત્નીઓ દમણ ખાતે પાર્ટી માટે જતા પતિદેવોએ ઘરે જ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં અલથાણના બાલાજી બંગ્લોઝમાં આયોજિત મહેફિલમાં પોલીસે ભંગ પાડી 10 વેપારીઓને દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યા હતા.
સુરતના અલથાણમાં મધરાત્રે એક બંગલામાં પોલીસે દારૂ મહેફિલમાં ભંગ પાડ્યો હતો .ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે, અલથાણ સેકન્ડ વીઆઈપી રોડ પર બાલાજી બંગ્લોઝના એક બંગલામાં દારૂની મહેફિલ ચાલે છે. જેના આધારે શુક્રવારે મોડીરાત્રે પોલીસે બંગલામાં રેડ કરતા 10 વેપારીઓ દારૂની મહેફિલ માણતા પકડાયા હતા.પોલીસે બંગલામાંથી 3 દારૂની બોટલો અને એક હુક્કો, સહિતનો સામાન કબજે કર્યો હતો.
બંગલામાં ભાડેથી રહેતા આર્કિટેક ધ્રુપદ રાઠોડે મિત્રો સાથે દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. પકડાયેલા આરોપીઓ આર્કિટેક, કાપડ વેપારી, ફોટોગ્રાફી, સહિતના અલગ અલગ વેપાર ધંધાઓ સાથે સંકળાયેલા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ તમામ વેપારીઓની પત્ની દમણ પાર્ટી માટે ગઈ હતી તો પતિદેવોએ ઘરે જ પાર્ટીનું આયોજન કર્યું હતું.