Connect Gujarat
ગુજરાત

સુરત : પ્રધાનમંત્રી આવાસ યોજનાની વેબસાઇટ પરથી માંગરોળ ગામ થયું ગાયબ

માંગરોળ ગામની ગરીબ પ્રજા સરકારી યોજનાથી વંચિત, આવાસની વેબસાઇટ પર ગામ નહીં દેખાતા લાભાર્થીઓમાં રોષ.

X

કેન્દ્ર સરકારની પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભથી સુરત જિલ્લાનું માંગરોળ ગામ વંચિત રહ્યું છે. પ્રધાન મંત્રી આવાસ યોજનાની વેબસાઇટ પરથી આખું માંગરોળ ગામ ગાયબ થઈ જતાં લાભાર્થીઓમાં રોષ પ્રવર્તયો છે, ત્યારે વહેલી તકે આ મામલે નિરાકરણ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયામાં પ્રધાન મંત્રીની જ યોજનાના લાભથી ગરીબો વંચિત રહી ગયા છે. સુરતના માંગરોળ ગામની ગરીબ પ્રજા સરકારની પ્રધાન મંત્રી આવાસ યોજનાથી વંચિત રહી છે. જ્યારથી આ યોજના બની છે, ત્યારથી જ માંગરોળ ગામની ગરીબ પ્રજાને આ યોજનાનો લાભ મળ્યો નથી. પ્રધાન મંત્રી આવાસ યોજનાનો લાભ ગામના ગરીબ જરૂરિયાતમંદ લોકોને નહીં મળતા અનેક પરિવારો તૂટેલા મકાનમાં રહેવા મજબૂર બન્યા છે. તંત્રના પાપે આજે ગામમાં ગરીબ પરિવારોનું એક પણ પાકું મકાન બન્યું નથી. પરંતુ કોઈક ટેક્નિકલ ખામીના કારણે વર્ષોથી માંગરોળ ગામની ગરીબ પ્રજા સરકારની પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભથી વંચિત રહી ગઈ છે.

પ્રધાન મંત્રી આવાસ યોજના જ્યારથી શરૂ થઈ ત્યારથી જ માંગરોળ ગામના લોકોને આ યોજનાનો લાભ મળ્યો નથી. માંગરોળ ગામ તાલુકા મથકનું ગામ છે અને આ ગામની વસ્તી 7 હજારથી પણ વધુ છે. અત્રે મહત્વની વાત તો એ છે કે, માંગરોળ તાલુકો ટ્રાઇબલ તાલુકો છે, ત્યારે આ ગામમાં બહુલક વસ્તી આદિવાસીઓની છે, ત્યારે આ ગામના લોકોને સરકારની આવાસ યોજનાની ખરેખર જરૂરિયાત છે. પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે સરકારના લાભથી આખું ગામ વંચિત રહી ગયું છે. આ બાબતે ગરીબ લાભાર્થીઓએ ગ્રામ પંચાયત, તાલુકા કચેરી અને કલેક્ટર કચેરી સુધી રજુઆત કરી છે. પરંતુ આ સમસ્યાનો વર્ષો બાદ પણ કોઈ ઉકેલ નહીં આવતા માંગરોળ ગામની ગરીબ જનતા તૂટેલા મકાનમાં જ રહેવા માટે મજબૂર બની છે.

સરકાર દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના માટે એક વેબસાઇટ બનાવવામાં આવી છે. આ વેબ સાઇટ ઉપર તમામ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે સરકારની આ વેબસાઇટ પર માંગરોળ ગામને જ વર્ષોથી બાકાત કરાયું છે. માંગરોળ ગામની ગરીબ જનતા આ મામલે તંત્રથી ખૂબ નારાજ જોવા મળી રહી છે. આમ તો ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે, ત્યારે ડિજિટલ ખામીના કારણે જ માંગરોળના 400થી વધુ ગરીબ પરિવારો સરકારની આવસ યોજનાથી વંચિત રહી ગયા છે. એક તરફ તાલુકા કચેરી ખાતે આવાસ માટે ૩૦૦ જેટલા ફોર્મ ભરાઈ ગયા છે. પરંતુ ટેક્નિકલ ખામીના કારણે વર્ષોની જેમ હજુ પણ ગરીબોના આવાસો માટેના ફોર્મ તાલુકા પંચાયત કચેરીના ટેબલો ઉપર ધૂળ ખાઈ રહ્યા છે, ત્યારે હવે જોવું રહ્યું કે, તંત્ર વર્ષો જૂની બંધાયેલી આ ગાંઠને છોડી માંગરોળના ગરીબ લાભાર્થીઓને આવાસ યોજના થકી પાકા મકાનો અપાવવામાં સફળ નીવડે છે કે નહીં..!

Next Story