Connect Gujarat
ગુજરાત

વલસાડ : મરીન પોલીસ સ્ટેશનમાં આરોપીનો આપઘાત, બારી સાથે પેન્ટનો બનાવ્યો ફંદો

આરોપી ટોળકી સાથે ધાડ પાડવાની ફિરાકમાં હતો, પાલઘર- વલસાડ હાઇવે પર કારની પોલીસે લીધી તલાશી.

X

નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે સગીરોની હત્યા કરી આપઘાતમાં ખપાવી દેવાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં વલસાડ મરીન પોલીસ સ્ટેશનમાં એક આરોપીના આપઘાતની ઘટના સામે આવી છે.

વલસાડમાં પોલીસ સ્ટેશનમાં આરોપીની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. બનાવની હકીકત એવી છે કે, વલસાડ મરીન પોલીસ સ્ટેશનની ટીમ પાલઘર અને વલસાડ હાઇવે પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન હાઇવે પર ઉભેલી ઇકો કારમાં કેટલાક યુવાનોની શંકાસ્પદ હીલચાલ જણાય આવી હતી. પોલીસે કાર પાસે જઇને તપાસ કરતાં કારમાં સવાર લોકો ભાગવા લાગ્યાં હતાં. પોલીસે ઇકો કારના ડ્રાયવરની અટકાયત કરી હતી. આરોપીનું નામ નિતિન ઉરાડે હોવાનું બહાર આવ્યું છે. વલસાડ મરીન પોલીસ સ્ટેશનમાં રહેલાં નિતિન ઉરાડેએ શૌચાલયમાં જઇ બારીના સળીયા અને તેના પેન્ટનો ફંદો બનાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ વલસાડ મરીન પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યો હતો.

વલસાડ પોલીસે જાણ કરતાં મૃતક નિતિનના પરિવારજનો વલસાડ ખાતે દોડી આવ્યાં હતાં. તેના પિતા રમેશભાઇએ જણાવ્યું હતું કે, તેનો પુત્ર ઇકો કાર ચલાવવાનું કામ કરતો હતો. તે તેના ગામના બે મિત્રો અને અન્ય લોકો સાથે વલસાડ જવા માટે નીકળ્યો હતો. દરમિયાન તેણે પોલીસ સ્ટેશનમાં આપઘાત કરી લીધો હોવાના સમાચાર અમને મળ્યાં છે. અમને સમગ્ર કિસ્સો હત્યાનો હોવાનું લાગી રહયું છે. મૃતકના મિત્ર નરેન્દ્ર ફાગેએ પણ ઉમેશના પિતાની વાતને સમર્થન આપ્યું હતું.

પોલીસની વાત સાચી માનીએ તો નિતિન તથા તેના સાગરિતો પાલઘરથી ગુજરાતમાં ધાડ પાડવા આવ્યાં હતાં. આરોપીઓએ તેમની ઇકો કારની નંબર પ્લેટ ઉપર કીચડ લગાવી દીધો હતો. પોલીસે ડ્રાયવર સહિત બે આરોપીને ઝડપી પાડયાં હતાં. કારમાંથી પણ ધાડ પાડવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ મળી આવ્યાં છે. આરોપીઓએ એક મકાનની રેકી પણ કરી હતી પરંતુ ધાડ પાડે તે પહેલા તેઓ ઝડપાય ગયાં હતાં. પોલીસ આરોપી નિતિનને લોકઅપમાં મુકીને અન્ય આરોપીઓને ઝડપી પાડવા ગઇ હતી ત્યારે આ ઘટના બની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓએ આપઘાત કરી લીધો હતો પણ તપાસમાં બંનેની હત્યા કરી મૃતદેહ પંખા સાથે લટકાવી દેવાયા હોવાનું ખુલ્યું હતું.

Next Story