સુરતના ભેસ્તાન ત્રણ રસ્તા પાસે વાહનચેકિંગ કરી રહેલાં ત્રણ પોલીસ કોન્સટેબલને બેફામ દોડતા ડમ્પરે ટકકર મારી હતી. અકસ્માતમાં રીકશાના દસ્તાવેજો તપાસી રહેલી મહિલા કોન્સટેબલનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું જયારે અન્ય બે કર્મીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
સુરતમાં ફરજ દરમિયાન મહિલા કોન્સટેબલનું ડમ્પરની ટકકરે મોત થયું હોવાની ઘટના સામે આવી છે. સુરત સહિત રાજયભરમાં રેતી ભરેલાં ડમ્પરો વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે યમદુત બની ગયાં છે. પોલીસ અને આરટીઓ વિભાગ કડક કાર્યવાહી કરતું નહિ હોવાના કારણે ડમ્પર ચાલકો બેફામ રીતે વાહનો હંકારી રહયાં છે. આવા જ એક બેફામ રીતે દોડતાં ડમ્પરની ટકકરે નિર્દોષ મહિલા પોલીસ કોન્સટેબલને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસની એક ટીમ પોતાની નાઇટ ડયુટી વેળા વાહનોનું ચેકિંગ કરી રહી હતી. વુમન પોલીસ કોન્સટેબલ લીનાબેન ખરાડે એક રીકશાના દસ્તાવેજો ચકાસી રહયાં હતાં તે વેળા અચાનક ધસી આવેલાં ડમ્પરે રીકશા સહિત ત્રણ વાહનોને ટકકર મારી હતી. આ ઘટનામાં લીનાબેન તથા અન્ય બે પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા લીનાબેને સ્થળ પર જ દમ તોડી દીધો હતો જયારે અન્ય બે કોન્સટેબલને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
મૃતક લીનાબેનની ઉમંર 37 વર્ષની હતી અને તેઓ પાંચ વર્ષથી પોલીસ વિભાગમાં નોકરી કરી રહયાં હતાં. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ભેસ્તાન ખાતે દોડી ગયાં હતાં. મૃતક લીનાબેનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ બેડામાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.
મોતને ભેટેલા લીનાબેન બચુભાઇ ખરાડે બુધવારની રાત્રે નાઈટ ડ્યુટીમાં તેઓ જયશ્રી ભોયા અને પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદ ભવાન વકાતર સાથે ભેસ્તાન ત્રણ રસ્તા ઉપર વાહન ચેકિંગની કામગીરીમાં હતા. મૃતક મુળ અરવલ્લી જિલ્લાના વતની છે અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી સાંઇબાબા સોસાયટીમાં રહેતાં હતાં. તેમના મૃત્યુ બાદ હવે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.