/connect-gujarat/media/post_banners/3df5eb1c91f3f32ade0c4a4f45d69c83eac221796a621cd262560c334712b3de.webp)
સુરેન્દ્રનગર જિલ્લામાં હાર્ટ એટેકના બનાવો નાની ઉંમરમાં અનેક લોકોમાં જોવા મળી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં 20 વર્ષીય યુવક જમ્યા બાદ અચાનક જ ઢળી પડ્યો હતો. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેની કરૂણ મોત નીપજ્યું હતું.
હાલમાં સમગ્ર રાજ્યમાં 45/46 ડિગ્રી સુધી ગરમીનું તાપમાન પહોચ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે મોચી બજારમાં રહેતા 20 વર્ષીય પાર્થ નારણભાઈ પટેલને બપોરે જમ્યા બાદ અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેમાં દુખાવો ઉપડવાની સાથે જ પાર્થના પરિવારજનો દ્વારા પાર્થને તાત્કાલિક સારવાર અર્થે સરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબે પાર્થને મૃત જાહેર કર્યો હતો. પોતાનો સ્વજન મૃત જાહેર થતાં જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. મૃતક પાર્થને પરિવારમાં એક બહેન છે, નારાયણભાઈને માત્ર એક દીકરો અને દીકરી છે, ત્યારે એકના એક દીકરાનું મોત થતા નારાયણભાઈનો સહારો છીનવાયો હતો. જેને લઇને સમગ્ર લખતર શહેરમાં સન્નાટો છવાયો હતો.