New Update
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે ખનીજ ચોરી અંગેની રજુઆત કરનાર પરિવારના ઘર પર 8 રાઉન્ડ ફાઉરિંગ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે
સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક સમયથી ખનીજમાફિયાઓ બેલગામ બન્યા હોય તેમ એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામમાં રહેતા એક પરિવાર દ્વારા ગામ નજીક આવેલા કમ્બોચાળા વિસ્તાર પાસેથી કાળા પત્થરની ખનીજ ચોરી થતી હોવા અંગે કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. અહીંથી કાળા પથ્થરો કાઢી ખનીજમાફિયાઓ પોતાના ભરડીયામાં પથ્થરોનો ઉપયોગ કરતા હોવા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. જો આ ગેરકાયદે ખાણો બંધ કરાવવામાં ન આવે તો પરિવાર દ્વારા 25 સપ્ટેમ્બરથી સુરેન્દ્રનગર કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.ખનીજ ચોરી બંધ કરાવવા રજૂઆત કરનારા પરિવારના ઘર પર રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા આઠેક રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. ઘર પર લાગેલા સીસીટીવી પણ તોડી નાખવામાં આવ્યા હતા. રાત્રિના સમયે અચાનક ફાયરિંગ થતા ઘરમાં રહેલા લોકો ફફડી ઉઠ્યા હતા. સદનસીબે ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.આ ઘટનાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડ્યા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.