સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સડલા ગામના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતીને બદલે ખારેકની પ્રાકૃતિક ખેતી કરી વર્ષે ૫૦ ટન જેટલી ખારેકનું ઉત્પાદન કરી રૂપિયા ૧૫ લાખ રૂપિયાની કમાણી કરી અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે.
વડાપ્રધાન મોદી કહે છે કે દેશના ખેડૂતોની આવક ડબલ થાય તે માટે ખેડૂત પણ આગળ આવે અને પોતે કઈક અલગ વસ્તુનું ઉત્પાદન કરે અથવા પોતાના ખેતરમાં તેનું વાવેતર કરે તો ખેડૂત સારી આવક મેળવી શકે છે. આ માટે સરકાર દ્વારા અવારનવાર ખેતીના નિષ્ણાત દ્વારા શિબિર તેમજ કૃષિ મેળાનું આયોજન પણ થાય છે. જેમાં ખેડૂતોને ખેતી વિશે માહિતી તેમજ સરકારની યોજના અને તેમા મળતી સબસીડી વિશે માહીતી આપવામાં આવે છે. ત્યારે હવે ખેડૂતો પણ પોતે કંઈક નવું કરવા માટે આગળ આવી રહ્યા છે. અને જીવામૃત એટલે ગાયનું છાણ અને ગોમૂત્ર આધારિત ખેતી પહેલીવાર કરીને ઈઝરાયેલની ટીસ્યુ કલ્ચર ખારેકનું વાવેતર કર્યું છે.
સુરેન્દ્રનગરના ખેડૂત હરિકૃષ્ણભાઈએ પોતાના સડલા ખાતે ફાર્મ માં આ ખારેકનું વાવેતર કર્યું હતું. જેમાં વર્ષ 2016 થી 1200 જેટલા છોડનું વાવેતર કર્યું હતું. જે છોડની કિંમત 3200 રૂપિયા આસપાસ થાય છે. જેમાં એક છોડ દીઠ 1250 રૂપિયા સરકારની સબસીડી મળી હતી. જે રાષ્ટ્રીય કૃષિ યોજના થકી(RKY) બાગાયત ખાતા તરફથી સહાય મળી હતી અને ગત વર્ષે 50 ટન ઉત્પાદન થયેલ અને હાલમાં ખારેકનું ઉત્પાદન સારું મળી રહ્યું છે. એક ઝાડ પર લગભગ ચાલીસ થી 50 કિલો જેટલું ઉત્પાદન આવે છે. હાલ આ ખેડૂતના ફાર્મ હાઉસ ઉપર લોકો ખારેક લેવા માટે તેમજ વેપારી પણ ખારેક લેવા આવે છે. અને સારી આવક મેળવી શકે છે. હરિકૃષ્ણ ભાઈએ પ્રાકૃતિક ખેતી તરફ બીજા ખેડૂતો વળે અને ગાય આધારિત ખેતી કરી શકાય તે દિશામાં રાહ ચીંધ્યો છે. કારણ કે ગાયના ગોબર અને ગોમૂત્ર માં જ ઉત્તમ ગુણ છે. જેનાથી સારું ઉત્પાદન અને સારી વસ્તુ મળી શકે છે.