અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાતા 9 લોકો મોતને ભેટ્યા હતા, ત્યારે આ અકસ્માતમાં મૂળ સુરેન્દ્રનગરના અને અમદાવાદ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સટેબલનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. તેઓના મૃતદેહને વતન લાવી ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાતા આખું ગામ હીબકે ચઢ્યું હતું.
અમદાવાદ શહેરના એસજી હાઇવે ખાતે ઇસ્કોન મંદિર ફ્લાયઓવર પર રાત્રે ‘જેગુઆર’ કારે સર્જેલા અકસ્માતમાં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં મૂળ સુરેન્દ્રનગરના ચુડા ગામના રહેવાસી અને અમદાવાદ ટ્રાફિક પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલ 40 વર્ષીય ધર્મેન્દ્રસિંહ પરમારનું પણ કમકમાટીભર્યું મોત નીપજયું હતું, ત્યારે તેઓના મૃતદેહને વતન ચુડા ખાતે લાવવામાં આવ્યો હતો. ચુડા ગામે ગાર્ડ ઓફ ઓનર આપી મૃતકની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પરિવારજનો અને પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. પોલીસકર્મીનું અકસ્માતમાં મોત થતાં સમસ્ત ગામ સહિત જીલ્લામાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.