/connect-gujarat/media/post_banners/1acd40072e5ca46b24833eb9b4743813127da20dbb8a118c093b5c9b9a0f23aa.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામની માધ્યમિક શાળામાં પાણીનું કુલર શરૂ કરવા ગયેલા વિદ્યાર્થીને વિજશોક લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ ખાતે આવેલ સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતો સુમિત રૂદાતલા નામનો વિદ્યાર્થી શાળામાં આવેલ વોટર કુલર શરૂ કરવા જતાં તેને વિજશોક લાગ્યો હતો. વિજશોક લાગતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
જોકે, વિદ્યાર્થીના મોત અંગે પરિવારજનોને જાણ થતાં પરિજનો પર આભ તુટી પડ્યું હતું. વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વિદ્યાર્થીના પરિવારજનોએ શાળા સંચાલકો પર ગંભીર બેદરકારી દાખવ્યાનો પણ આક્ષેપ કર્યો હતો. આ સાથે જ અવારનવાર શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે અલગ અલગ કામો કરાવતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.