રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આગામી વર્ષે શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગરની કે.પી.બોર્ડિંગ સ્કૂલ ખાતે પ્રશિક્ષણ વર્ગના જાહેર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના સ્થાપના કાળથી સમરસ સમાજ અને સમાજ સેવાના ધ્યેય સાથે કાર્યરત છે. વર્ષ 1985થી સ્થાપિત RSS સંઘ આગામીવર્ષે શતાબ્દી વર્ષ ઉજવવા જઈ રહ્યો છે. સંપૂર્ણ સમાજનું સંગઠન અને સંઘના કાર્ય વિસ્તાર માટે ગુણવત્તાયુક્ત કાર્યકર્તા નિર્માણ કરવા માટે દર વર્ષે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન થતું હોય છે.
આવો જ એક પ્રશિક્ષણ વર્ગ સુરેન્દ્રનગરની કે.પી.બોર્ડિંગ સ્કૂલ ખાતે ગત તા. 12મેથી વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેનો તા. 28 મે 2024ના રોજ જાહેર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નિમ્બાર્ક પીઠ લીંબડીના 1008 મહામંડલેશ્વર લલિત કિશોર શરણદાસજી મહારાજ પધાર્યા હતા.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પશ્ચિમ ક્ષેત્રના ક્ષેત્ર સંઘચાલક જયંતી ભાડેસિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે નક્કી કરેલ 5 સંકલ્પ સમરસતા, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય, પર્યાવરણ અને સ્વદેશીના વિષય પર વક્તવ્ય રજૂ કર્યું હતું.
આ વર્ગમાં સૌરાષ્ટ્ર પ્રાંતના 171 સ્થાન પરથી 368 શિક્ષાર્થીઓ પ્રશિક્ષણ મેળવવા આવ્યા હતા. દિનચર્યા દરમ્યાન વિવિધ પ્રકારના શારીરિક કાર્યક્રમો જેવા કે, દંડ, દંડયુદ્ધ, નિયુદ્ધ, સામુહિક સમતા, યોગ જેવા વિષયો શીખવાડવામાં આવ્યા હતા. આ સાથે જ વર્તમાન ભારતમાં યુવાનોની ભૂમિકા, સંઘ દ્વારા સામાજિક પરિવર્તન જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.