/connect-gujarat/media/post_banners/089a3e135770f176a03ff0859d37d3dc7a3ad64d1dd18acdd07aa05890bc2d6c.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્કાર ધામ દ્વારા સેવાના હેતુ માટે અધતન ૧૦૦ બેડની હોસ્પિટલ જરૂરીયાતમંદ દર્દીઓ માટે શરૂ કરવામાં આવી રહી છે. જેના શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહયા હતા.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામો તેમજ જીલ્લાના દર્દીઓને એક જ જગ્યાએ તમામ રોગની ઝડપી અને આધુનિક સુવિધાઓ અને નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા સારવાર મળી રહે તેવા હેતુથી ધ્રાંગધ્રા સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્કાર ધામ દ્વારા આગામી સમયમાં હળવદ હાઇવે પર ૯૦૦૦ સ્ક્વેર મીટર વિશાળ જગ્યામાં મલ્ટી સ્પેશયલીટી હોસ્પિટલ અંદાજે ૨૦ કરોડના ખર્ચે બની રહી છે. જેનું શિલાન્યાસ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી, અને સંતો મહંતોના આશિર્વાદ મેળવ્યા હતા. આ સાથે જ હોસ્પિટલના નિર્માણમાં દાન આપનાર દાતાઓનું સન્માન કર્યું હતું. નવી બનનાર આ હોસ્પિટલમાં જનરલ સર્જરી વિભાગ, જનરલ OPD, હાડકા અને સાંધાનો વિભાગ, ગાયનેક વિભાગ, બાળકોનો વિભાગ, NICU, ડાયાલીસીસ સેન્ટર, કીડનીનો વિભાગ, આંખનો વિભાગ, દાંતનો વિભાગ, ફિજીયોથેરાપી વિભાગ, લેબોરેટરી, સોનોગ્રાફી, આર્યુર્વેદિક, ઈમરજન્સી વિભાગ એમ્બ્યુલન્સ સુવિધા, જનરલ ઓટી સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ તકે કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત સાધુ-સંતો અને મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.