સુરેન્દ્રનગરના ગાજણવાવ ગામે પ્રગતિશીલ ખેડૂતે તરબૂચનું સફળ વાવેતર કર્યું....
દેશના પ્રધાનમંત્રી દ્વારા આજના ખેડૂતોને પ્રગતિશીલ બનાવવા માટે ખેતી લક્ષી વિવિધ જાહેરાતો તેમજ શિબિરો સહિતના પ્રયત્નો હાથ ધરાયા છે,ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત પરંપરાગત વાવેતરના બદલે તરબૂચનું સફળ વાવેતર કરી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે. તરબૂચના વાવેતરથી ખેડૂતને આર્થિક ફાયદો થાય છે. સાથે સાથે બીજો મુખ્ય ફાયદો એ પણ થાય છે કે તરબૂચના વાવેતરમાં વધુ રાહ જોવી પડતી નથી અને માત્ર ૮૦ થી ૯૦ દિવસમાં જ પાક તૈયાર થઇ જાય છે અને સારા ભાવે વેચાય છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે કપાસ, બાજરી, જીરૂ અને ઘઉં જેવાં પાકોનું જ વાવેતર કરવામાં આવતું હતુ પરંતુ સરકાર દ્વારા શિબિરો,સેમિનાર સહિત જાગૃતિ આવતા હવે જિલ્લામાં ખેડૂતો રોકડીયા વાવેતર તરફ વળ્યા છે. અનેક ખેડૂતો વિવિધ પ્રકારના રોકડીયા પાકનું સફળ વાવેતર કરી સારી કમાણી કરી રહ્યાં છે. ગાજણવાવ ગામમાં જ અન્ય ૧૨ થી ૧૫ જેટલા ખેડૂતોને આ વર્ષે વાવેતર માટે તૈયાર કરેલા પાકમાં સફળતા અને સારો એવો ભાવ મળી રહ્યો છે ત્યારે જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પરંપરાગત ખેતી છોડીને રોકડિયા પાક તરફ વળવા માટે પ્રેરણા પુરી પાડી છે.