Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : નર્મદાનું પાણી ન મળતા ધારાસભ્ય સહિતના ખેડુતોએ માલવણ હાઇવે ચક્કાજામ કર્યો, પોલિસે અટકાયત કરી

ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાં ટીપુંય પાણી છોડવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોસની લાગણી ફેલાવા પામી હતી.

X

દસાડા-લખતર વિધાનસભા વિસ્તારના ખેડૂતો માટે નર્મદાનું પાણી ન મળતા ધારાસભ્ય સહિતના ખેડુતોએ માલવણ હાઇવે ચક્કાજામ કરી હલ્લાબોલ મચાવ્યો હતો. આથી બજાણા, પાટડી, દસાડા અને ઝીંઝુવાડા પોલિસ દ્વારા ધારાસભ્ય સહિત કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂતોની ટીંગાટોળી કરી અટક કરી હતી

ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને અને એમા દસાડા તાલુકાના 89 ગામોમાંથી 87 ગામો સુધી નર્મદાના નીર પહોંચી ગયા હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હાલમાં દસાડા-લખતર વિધાનસભાની તમામ કેનાલો હાલમાં સૂકીભઠ્ઠ છે.દસાડા લખતર સહિતના વિવિધ વિસ્તારોના ખેડૂતોએ હાલમાં બીટી કપાસનું વાવેતર કરેલું છે. આથી ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાં ટીપુંય પાણી છોડવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોસની લાગણી ફેલાવા પામી હતી.

આથી દસાડા લખતર વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા નર્મદા નિગમના અધિકારીઓને નર્મદા કેનાલમાં પાણી છોડવામાં નહી આવે તો માલવણ વિરમગામ હાઇવે ચક્કાજામ કરવાની લેખિત ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. તેમ છતાં પણ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નહોતુ.આથી દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદ સોંલકી, વિક્રમ રબારી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશ રથવી, લાલાભાઇ પટેલ, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેંતિભાઇ રાઠોડ, કોંગ્રેસ કિશાન મોરચાના પ્રમુખ અશોકભાઇ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો અને આજુબાજુના ગામના સરપંચો અને ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચારો અને હલ્લાબોલ સાથે વિરમગામ-માલવણ-ધ્રાંગધ્રા હાઇવે ચક્ક‍જામ કરવામાં આવ્યો હતો.

આથી પોલિસ સ્ટાફ દ્વારા ધારાસભ્ય સહિત કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂતો મળી 50થી વધુ લોકોની ટીંગાટોળી કરી અટક કરી મોડેથી છોડી દેવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો કલેક્ટર કચેરીનો હલ્લાબોલ સાથે ઘેરાવ કરવાની ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ચિમકી ઉચ્ચારી તંત્રને આડેહાથ લીધા હતા.

Next Story