Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ભુંડ પકડવા બાબતે જાહેરમાં આતંક મચાવનાર પાંચ શખ્સો ઝડપાયા, એક આરોપી પોલીસ પકડથી દુર

તલવાર સાથે આતંક મચાવનારી ગેંગને પોલીસે ઝડપી, સરઘસ કાઢીને રસ્તા પર ગેંગને કરાવી ઉઠક બેઠક

X

સુરેન્દ્રનગર શહેરમા ૮૦ ફુટ રોડ પર અલ્ટ્રા વિઝન સ્કુલ પાસે જાહેર રસ્તા પર ભુંડ પકડવાનું કામ કરતી બે ગેંગ વચ્ચે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ગણતરીના કલાકોમાં આતંક મચાવનાર પાંચ શખ્સોને ઝડપી લીધા હતાં. જ્યારે એક આરોપી હજી પણ પોલીસ પકડથી દુર છે.

સુરેન્દ્રનગર શહેરમાં સોમવારે બપોરના સમયે ભુંડ પકડવાનું કામ કરતા અમુક શખ્સો ભુંડ પકડી વેગનઆર કારમાં જઇ રહ્યાં હતા તે દરમિયાન ૮૦ ફુટ રોડપર પીકઅપ ગાડી લઇ ધસી આવેલા અન્ય પાંચ શખ્સોએ વેગનઆર કાર સાથે પીકઅપ વાન અથડાવી વેગનઆર કારમાં સવાર શખ્સોને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો અને પીકઅપમાં આવેલા શખ્સો ખુલ્લી તલવાર સાથે જાહેર રસ્તા પર આતંક મચાવતા લોકોમાં ભય સાથે ફફડાટની લાગણી ફેલાઇ હતી. કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઇ હતી. હુમલાખોરો ગણતરીની મિનિટમાં હુમલો કરી નાસી છુટ્યા હતા. ત્યારે આ હુમલાનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થતાં પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં હતા.

પાંચ શખ્સો જાહેરમાં આતંક મચાવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ઇજાગ્રસ્તોની ફરીયાદના આધારે પાંચ આરોપીઑને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા જ્યારે એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દુર છે. જાહેરમાં આતંક મચાવનાર પાંચેય શખ્સોને પોલીસ ટીમ દ્વારા ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યા હતાં અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. સાથે જ પોલીસે પાંચેય આરોપીઓનું જાહેર રોડ પર સરઘસ કાઢ્યું હતું અને ઉઠક બેઠક કરાવી હતી.

Next Story