Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : છેલ્લા 5 દિવસથી તાપમાન 44 ડિગ્રી સુધી પહોચતા ઝાલાવાડવાસીઓ ગરમીમાં શેકાયા…

ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે.

X

સમગ્ર રાજ્યમા હાલ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે, અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ છેલ્લા 5 દિવસથી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચતા તેની અસર જનજીવન પર જોવા મળી રહી છે, જ્યાં બપોર બાદ રસ્તાઓ પણ સૂમસામ ભાસી રહ્યા છે.

ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે છેલ્લા 5 દિવસથી આકાશમાંથી જાણે અગન જ્વાળાઓ વરસી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યના સૌથી વધુ તાપમાન ધરાવતા શહેરોમાં સુરેન્દ્રનગર જીલ્લાનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 5 દિવસથી સુરેન્દ્રનગર જીલ્લામાં 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે. જીલ્લામાં તાપમાનનો પારો આસમાને પહોચ્યો છે, અને અંદાજે 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાતા પશુ-પક્ષીઓ સહિત લોકો ગરમીથી ત્રસ્ત બની ગયા છે. વહીવટી તંત્ર દ્વારા ગરમીથી બચવા તેમજ કોઈ હિટવેવનો ભોગ ન બને તે માટે ખાસ સૂચનાઓ જેમ કે, બિનજરૂરી બહાર નહીં નીકળવું, પાણી વધુ પીવું, ગરમીથી બચવા માથે ટોપી, હાથે મોજા પહેરવા અને લુ લાગવાના લક્ષણો જણાઈ આવે તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવા સહિતની સૂચનાઓ આપવામાં આવી છે. જોકે, હવામાન વિભાગ દ્વારા હજુ પણ તાપમાન વધવાની અને હિટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે ઝાલાવાડવાસીઓમાં ગરમીને લઈ ચિંતા જોવા મળી રહી છે.

Next Story