પ્રાંત અધિકારીના કોલસાના કુવા પર દરોડા
ચાર જેટલા ગેરકાયદેસર કોલસાના કુવા ઝડપાયા
રૂ.16.71 લાખનો મશનરી સહિતનો મુદ્દામાલ જપ્ત
પ્રાંત અધિકારીએ 8 લોકો સામે કરી કાર્યવાહી
સરપંચ અને તલાટી સામે પણ થઇ શકે છે કાર્યવાહી
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના નળખંભા ગામ ખાતે ગેરકાયદેસર રીતે ધમધમતા કોલસાના કુવા પર પ્રાંત અધિકારીએ રેડ કરી હતી,અને આ કોલસા કૌભાંડમાં રૂપિયા 16.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને 8 લોકો સામે કાર્યવાહી કરવામાં હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. સર્વે નંબર 104 અને 151 વાળી જમીનમાં ગેરકાયદેસર કોલસાના ચાર કૂવાઓ પર કોલસાનું ખનન, સંગ્રહ, વહન અને વેચાણ થતું હોવાનું ધ્યાને આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરોડા દરમિયાન કુલ રૂપિયા 16 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા વાહનો અને સાધનોમાં બે ટ્રેક્ટર, એક જનરેટર મશીન, બે કોમ્પ્રેસર મશીન, એક બાઇક, 30 નંગ નાઇટીંગ સુપર પાવર વિસ્ફોટક, 500 મીટર ઇલેક્ટ્રિક વાયર, 300 મીટર ઇલેક્ટ્રિક કેબલ અને ત્રણ ચરખીનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ગેરકાયદેસર કોલસા ખનન કરતા 8 ઇસમોની ઓળખ કરવામાં આવી છે.આ તમામ ઇસમો અને વાહન માલિકો સામે ધ ગુજરાત મિનરલ હેઠળ કાર્યવાહી, તેમજ લેન્ડગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને જે વ્યક્તિઓના નામો સામે આવશે તેમની વિરુદ્ધ પણ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, નળખંભા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.