/connect-gujarat/media/post_banners/8f822d7740ed706410d26767bfa26e266979eeeea821f1edf13a04c501237d97.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા સર્જાતા પાંચથી વધુ ગામોના ૩૦૦થી વધુ પરિવારો એક હજારથી વધુ પશુઓ સાથે ગામ છોડી હિજરત કરી ગયાં છે. હાલ ગામમાં પાણીની ગંભીર સમસ્યાને લઇને મહિલાઓ ને પાણી માટે રઝળપાટ કરવાની નોબત આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદાના નીરનો સૌથી વધુ લાભ મળ્યો હોવાની સરકાર દ્વારા ગુલબાંગો પોકારવામાં આવી રહી છે ત્યારે વાસ્તવિકતા કઇક જુદા જ દ્રશ્યો બતાવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના જસાપર , નાનયાણી, નાના કાંધાસર, સાંગાણી, રાજાવડ, નાની મોરસલ સહીતના ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ છે. આ ગામોમાં બોર અને કુવાના પાણી તળીયે ચાલ્યા ગયા છે જેનાં કારણે ઉનાળામાં પાણીના પોકારો શરૂ થઇ ગયાં છે જેને લઇને આ પાંચ ગામોના ૩૦૦ થી વધુ પરિવારો હિજરત કરી આણંદ, નડીયાદ અને ધોળકા તરફ ચાલ્યા ગયાં છે.ગામડામાં હોંશે હોંશે બનાવેલા પાકા મકાનો બંધ કરી માલધારી સમાજના લોકોને અન્ય ગામોમાં રઝળપાટ કરવાની નોબત આવી છે.છેલ્લા ૨૫ વર્ષ કરતા વધુ સમયથી આ સમસ્યા જેમની તેમ છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ છે.