સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના રણ કાંઠા વિસ્તારમાં ફરીથી નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
નર્મદા નિગમના અણઘડ વહીવટના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના રણ કાંઠા વિસ્તારમાં ફરીથી નર્મદાનું પાણી ફરી વળ્યું છે. જેના પગલે ખેડૂત તથા અગરિયા એમ બન્ને મજૂર વર્ગને નુકશાની વેઠવી પડી છે. હાલમાં જ ખેડૂતો પોતાના ખેતરમાં કરેલ વાવેતર માટે પીયતનું પાણી કેનાલમાંથી લેવા જતા તંત્ર દ્વારા ખેડૂતો પર પાણી ચોરીની ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના લીધે ખેડૂતો ફરિયાદની બીકે કેનાલમાંથી પાણી લેવાનું ટાળતા હતા. જેમાં ખેડૂતોને પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઈ છે.
તો બીજી તરફ નર્મદાનું હજારો ક્યુસેક પાણી રણમાં વેડફાવાના લીધે અગરિયાઓને પણ ભારે નુકશાન સહન કરવું પડ્યું છે. રણ કાંઠા વિસ્તારમાં મીઠું પકવી ગુજરાન ચલાવતા અગરિયાઓના પાટા પર પાણી ફરી વળતા હાલ 400થી વધુ અગરિયાઓના હજારો ટન મીઠા પર પણ પાણી થયું છે. જેથી સ્પષ્ટ રીતે નર્મદા નિગમ દ્વારા કેનાલમાંથી પાણી નહીં લેવાની નીતિ સામે ખેડૂતો અને અગરિયાઓ એમ બન્નેને નુકશાન પહોંચ્યુ છે.
જોકે, રણ કાઠામાં નર્મદાનું પાણી ફરી વળવાનો કિસ્સો આ વર્ષે પ્રથમ વાર બન્યો હોય તેવું પણ નથી. આ અગાઉ પણ દર વર્ષે આ પ્રકારે પાણી ફરી વળવાની બાબતને લઈને તે સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને અગરિયાઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરી નુકશાની અંગે જાણ કરી હતી. છતાં રણ કાંઠામાં નર્મદાના પાણી વેડફાટ થવાનો પ્રશ્ન યથાવત રહ્યો છે. આ સાથે જ સમગ્ર રણ કાંઠો દરિયામાં પરિવર્તિત થતાં તમામ અગરિયાઓને લાખોના નુકશાની અંગે સરકાર પાસે વળતરની માંગ કરાય છે.