સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળો આજે વિધિવત રીતે ખુલ્લો મુકાયો હતો. આ 5 દિવસીય મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે અને અંદાજે 8 લાખથી વધુ લોકો મેળાની મોજ માણશે.
સુરેન્દ્રનગર, દૂધરેજ અને વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા વઢવાણ રેલ્વે સ્ટેશન મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે વઢવાણ સ્વામિનારાયણ મંદિરના મહંત તેમજ પાલિકા પ્રમુખ વિરેન્દ્રઆચાર્ય સહીતના આગેવાનોના હસ્તે લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ મેળામાં વિવિધ પ્રકારના ચકડોળ, નાના બાળકો માટેની રાઇડસ, મોતનો કુવો, ખાણી-પીણી તેમજ રમકડાંના સ્ટોલ સહીતની મનોરંજનની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
જોકે, વઢવાણ ખાતે લોકમેળાને માણવા આવતા લોકોની સુરક્ષાને ધ્યાને લઇ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા 150થી વધુ જવાનો, PI અને PSI સહીતનો પોલીસ કાફલો તૈનાત કરાયો છે. સાથે જ સમગ્ર મેળાને સીસીટીવી તેમજ બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાયો છે. કોરોના કાળના 2 વર્ષ બાદ મેળો યોજાય રહ્યો છે, ત્યારે લોકોમાં પણ આ લોકમેળાને લઇને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.