બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવાની અનોખી પરંપરા
પાટડીના વડગામ અને લીંબડીના બળોલ ગામે ઉજવણી
ઢોલ નગારાના તાલે તેમજ ફટાકડા ફોડી ગાયોને દોડાવાય
મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત આસપાસના લોકો ઉમટ્યા
સુરેન્દ્રનગર જીલ્લામાં બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવાની વર્ષો જુની અનોખી પરંપરા આજદિન સુધી યથાવત રહેવા પામી છે, ત્યારે પાટડી તાલુકાના વડગામ અને લીંબડી તાલુકાના બળોલ ગામ ખાતે આજે બેસતા વર્ષે ઢોલ નગારાના તાલે તેમજ ફટાકડા ફોડી ગાયોને દોડાવવામાં આવી હતી.
દર વર્ષે બેસતા વર્ષના દિવસને લોકો અનેક રીત રિવાજો અને માન્યતા સાથે ઉજવતા હોય છે. તેવામાં સુરેન્દ્રનગર જીલ્લામાં બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવાની વર્ષો જુની અનોખી પરંપરા આજદિન સુધી યથાવત રહી છે, ત્યારે પાટડી તાલુકાના વડગામ અને લીંબડી તાલુકાના બળોલ ગામ ખાતે આજે બેસતા વર્ષે ઢોલ નગારાના તાલે તેમજ ફટાકડા ફોડી ગાયોને દોડાવવામાં આવી હતી. વડગામ અને બળોલ ગામમાં સમસ્ત ગ્રામજનો બેસતા વર્ષે ગામના પાદરે એકઠા થઇ ગાયોને દોડાવે છે.
ઉપરાંત ગાયોની સાથે સાથે ગોવાળો પણ દોડ છે, અને દોડ પૂર્ણ થયા બાદ મહિલાઓ દ્વારા ગોવાળો અને ગાયોને તિલક કરી સન્માન કરવામાં આવે છે. ગાયોની દોડ જોવા સમસ્ત ગ્રામજનો તો એકઠા થાય જ છે, સાથે સાથે આસપાસના ગામોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ગાયોની દોડ જોખમી હોવા છતાં આજદિન સુધી એકપણ વાર કોઇ અકસ્માત સર્જાયો નથી. જેને ગ્રામજનો ભગવાનના આશિર્વાદ માને છે, અને તેથી આ પરંપરામાં આજે પણ લોકોને અતૂટ શ્રદ્ધા છે.