સાયલામાં યુવકની હત્યાનો મામલો
અગાસી પરથી યુવકને ધક્કો માર્યો
જમીન વિવાદમાં યુવકની હત્યા
કાકા અને પિતરાઈ ભાઈએ કરી હતી હત્યા
પોલીસે કાકા પિતરાઈ ભાઈની કરી ધરપકડ
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં જમીન વિવાદમાં કાકા અને પિતરાઈ ભાઈએ યુવકની હત્યા કરી હતી.જે ઘટનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં જમીનના મનદુઃખને કારણે એક યુવાનની હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. 12 વીઘા જમીન બાબતના વિવાદમાં થયેલી ઝપાઝપી દરમિયાન યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું, જેને પગલે યુવાનના કાકા અને પિતરાઈ ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ચોરવીરા ગામના મુન્ના વહાણભાઈ મારુણિયાની ઉં.વ.35 જમીન વિવાદમાં હત્યા થઈ હતી. આશરે 12 વીઘા જમીન બાબતનું મનદુઃખ બાબતે વિવાદ થયો હતો.
આરોપીઓએ જમીન ખાતે કરાવવાના બહાને મુન્નાને ઘરે બોલાવ્યા હતા. જ્યાં અગાસી પર તેમની સાથે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપી દરમિયાન મૃતક યુવાન 12 ફૂટ ઊંચી અગાસી પરથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઇજા થતાં મુન્નાને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.મૃતકની પત્ની કિરણબેનની ફરિયાદના આધારે સાયલા પોલીસે આરોપી કાકા અને પિતરાઈ ભાઈ સામે હત્યાનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.