મહારાષ્ટ્રમાં ભારે વિનાશના કારણે તબાહીનો મંજર જોવા મળી રહયો છે. પ્રકાશા અને હથનુર ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થતાં બંને ડેમમાંથી પાણી છોડવામાં આવતાં આ પાણીના કારણે ઉકાઇ ડેમની સપાટી વધી રહી છે.
ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહયો છે. મહારાષ્ટ્રમાં મેઘરાજાના તાંડવના કારણે નદીઓમાં પુર આવી ગયાં છે. મહારાષ્ટ્રમાં આવેલાં હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડતાં ઉકાઈડેમની સપાટીમાં બે દિવસમાં પાંચ ફુટનો વધારો થયો છે.હથુનર ડેમમાંથી હાલ 91,396 ક્યુસેક જયારે પ્રકાશા ડેમમાંથી 1,16,041 ક્યુસેક છોડવામાં આવી રહયું છે.
આ પાણી ઉકાઇ ડેમના રીઝરવાયરમાં આવતું હોવાથી ઉકાઇ ડેમની સપાટીમાં ધીમે ધીમે વધારો થઇ રહયો છે. હાલ ઉકાઇ ડેમમાં 98 હજાર કયુસેક પાણી આવી રહયું છે જેની સામે 600 કયુસેક પાણીની જાવક થઇ રહી છે. ઉકાઇ ડેમની સપાટી 319.33 ફુટ પર પહોંચી છે. ડેમનું રૂલ લેવલ 333 ફુટ છે જયારે ભયજનક સપાટી 345 ફુટ છે. ઉકાઇ ડેમના જળાશયમાં પાણીનો સંગ્રહ થઇ રહયો હોવાથી આગામી દિવસોમાં પીવાના તથા સિંચાઇના પાણીની તંગી નહિ સર્જાય.. ઉકાઇ ડેમને દક્ષિણ ગુજરાતની જીવાદોરી પણ ગણવામાં આવે છે.