અમરેલી જિલ્લાને મળી વિવિધ વિકાસના કામોની ભેટ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ – ખાતમુહૂર્ત
રૂ. 42 કરોડના ખર્ચે તૈયાર થયેલ બસપોર્ટનું લોકાર્પણ
અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ–ખાતમુહૂર્ત કરાયું
મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો-કાર્યકરોની ઉપસ્થિતિ
અમરેલી જીલ્લામાં અનેકવિધ વિકાસ કાર્યોનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં અમરેલીના અલગ અલગ 4 તાલુકામાં આયોજીત લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમરેલીમાં સુપ્રસિદ્ધ નાગનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. બાદમાં અમરેલીમાં આવેલા ગાયકવાડી રાજમહેલના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ અમરેલીમાં PPP મોડલથી રૂ. 42 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમરેલી બાદ મુખ્યમંત્રી સાવરકુંડલા પહોંચ્યા હતા, જ્યાં મહુવા રોડ પર બનનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ લીલીયા ગ્રામ પંચાયતના જેટિંગ મશીન અને 66 KV સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીના હસ્તે રાજુલામાં 108 ફૂટના વિશાળ તિરંગાનું લોકાર્પણ કરવમાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કૌશિક વેકરિયા, હીરા સોલંકી, મહેશ કસવાળા, જનક તળાવિયા, જે.વી.કાકડીયા અને સાંસદ ભરત સુતરિયા સહિતના નેતાઓ ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.