Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં વ્યાપક વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા મુખ્યમંત્રીએ SEOCની મુલાકાત લીધી...

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે અને રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે તેમ જણાવાયુ છે,

X

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા અને સંબંધિત જિલ્લા તંત્રોને માર્ગદર્શન આપવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મોડી રાત્રે મુલાકાત લીધી હતી.

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે અને રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે તેમ જણાવાયુ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમ છતાં સંબંધિત જિલ્લા તંત્રોને માર્ગદર્શન આપવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મોડી રાત્રે મુલાકાત લઈ સતર્ક રહેવા સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે મોબાઈલ ફોન દ્વારા વાત કરીને સમગ્ર જિલ્લામાં વરસેલા ભારે વરસાદ તેમજ વિસાવદર તાલુકાના ગામોમાં ભરાયેલા પાણી, લોકોના સ્થળાંતરની જરૂરિયાત વગેરેની પણ માહિતી લીધી હતી. મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના અંજારમાં પડેલા વરસાદ અને તેને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે કલેકટર સાથે વાતચીત કરી હતી. અંજારમાં તળાવ છલકાવા તેમજ અંજાર નજીકનો ડેમ ઓવર-ફલો થવાની સ્થિતિમાં માર્ગો પર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર કે, જનજીવનને અસર ન પડે તે માટે પણ મુખ્યમંત્રીએ જરૂરિયાત મુજબ યોગ્ય કાર્યવાહી કરવા સૂચવ્યું હતું. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, કચ્છ, જામનગર, જૂનાગઢ તેમજ નવસારી જિલ્લામાં NDRFની ટીમો જિલ્લા તંત્રની મદદ માટે મોકલવામાં આવી છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામકે ગુજરાતમાં દર વર્ષે ચોમાસામાં આ સમયે પડતા વરસાદ કરતા ઘણો વધુ વરસાદ પડ્યો છે, તેની વિગતો પણ બેઠક દરમ્યાન આપી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, રાહત કમિશનર આલોક પાંડે તેમજ વરિષ્ઠ સચિવો જોડાયા હતા.

Next Story