આદિવાસી સમુદાયમાં હસ્તકળાનું આકર્ષણ
આધુનિક યુગમાં પણ હસ્તકળા જીવંત
સલાટ સમુદાય પથ્થર ટાંકીને બનાવે છે સાધનો
નિહાત્રો,પોળ,ખલ અને ઘંટી જેવા સાધનોની વધી માંગ
લોકલ ફોર વોકલનો અભિગમ જાળવી રાખ્યો
છોટાઉદેપુર જિલ્લામાં વસતા સલાટ સમુદાય દ્વારા આધુનિક યુગમાં પણ પથ્થરને કોતરીને બનાવવામાં આવતા સાધનોની હસ્તકળાને જીવંત રાખી છે.અને પથ્થરમાંથી બનતી વસ્તુઓની લોકમાંગ જોવા મળી રહી છે.
આદિવાસી વિસ્તારોના લોકોની માન્યતા રહી છે કે પથ્થરમાં ફૂટેલું, વાટેલું અને દળેલું અનાજ ખાવાથી અનાજમાં રહેલા પોષક તત્વો જળવાય રહે છે,અને ખોરાક સ્વાદિષ્ટ રહે છે, જેને લઇને પથ્થરમાંથી બનાવેલા સાધનોની માંગમાં આજે પણ વધારો થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકલ ફોર વોકલનો અભિગમ અહીંયા જળવાયેલો જોવા મળી રહ્યો છે.પથ્થરના સાધનો હાટ બજારોએ પંરપરાગત કળાને જીવંત રાખી છે.
આદિવાસી વિસ્તારોમાં આજે પણ સ્થાનિક હાટ બજાર ભરાય છે. આ હાટ બજારમાં સ્થાનિક ઉત્પાદકો પોતાનું ઉત્પાદનનું વેચાણ કરે છે. છોટાઉદેપુર જિલ્લામાં સપ્તાહના સાત દિવસ અલગ અલગ સ્થળો પર હાટ બજાર ભરાય છે. સોમવારથી રવિવાર સુધી ભરાતી હાટ બજારમાં અંતરિયાળ ગામોના રહીશો પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે આવે છે.
હાટ બજારમાં તીર કામઠા,ખેતીના ઓજારો,અનાજ ભરવાના વાસણ,મોહ્ટી, ટોપલી, ટોપલા, સુપડા,પથ્થરમાંથી બનાવેલ નિહાત્રો,પોળ,ખલ,ઘંટી, માટીના વાસણો, કરિયાણું, કપડા, હાથે બનાવેલ દોરડા,મરી મસાલા,ફરસાણ જેવી અનેક જીવન જરૂરીયાતની સ્થાનિક વસ્તુઓ મળતી હોય છે. છોટાઉદેપુર તાલુકાના ઝોઝ હાટમાં કરસન સલાટ એવા જ એક કારીગર છે, જે આજે પણ પરંપરાગત પથ્થર કળા દ્વારા નિહાત્રો, પોળ, ખલ અને ઘંટી બનાવે છે. આ માત્ર એક વ્યવસાય નહીં પરંતુ એક સંસ્કૃતિ છે, જે "લોકલ ફોર વોકલ" જેવી સંકલ્પનાનું જીવંત ઉદાહરણ છે.
વર્તમાન સમયમાં પથ્થરમાંથી પોળ બનાવનાર સલાટ હવે બહુ ઓછા જોવા મળે છે. છોટાઉદેપુર અને મહિસાગરમાંથી પથ્થરનું પરીક્ષણ કરીને જ લાવે છે. આ મધુર રણકાર ધરાવતા પાકા પથ્થરને ટાંકીને નિહાત્રો,પોળ, ખલ,ઘંટીમાં રૂપાંતરિત કરે છે. કરસન સલાટ જણાવે છે કે,પથ્થરની ગુણવત્તા યોગ્ય ન હોય, તો આખો પ્રયાસ નિષ્ફળ જવાનો ભય રહે છે. આ કળામાં કુશળતા અને અનુભવ બંને જરૂરી હોય છે.