રામ જન્મભૂમિના સંદેશા સાથે નવસારી જિલ્લાના એન્જલ ગામના સાઇકલ યાત્રી 1700 કિલોમીટરનો સાયકલ પ્રવાસ ખેડી યાત્રાધામ વિરપુર આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વિરપુર કે, જ્યાં એવું માનવામાં આવે છે કે વિરપુરની પાવન ભૂમિ પર ભગવાન શ્રી રામ જલાબાપાની ઝૂંપડીએ આવ્યા હતા. ત્યારથી હજારો ભક્તો પૂજ્ય જલારામ બાપાના દર્શને આવે છે. કોઈ ભક્તો પગપાળા આવે છે, તો કોઈ સાઇકલ લઈને આવતા હોય છે. પરંતુ છેલ્લા 11 વર્ષથી નવસારીના એન્જલ ગામથી સાઈકલ લઈને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના પ્રવાસે આવતા લોક સાહિત્યકાર નરેશ આહિર વિરપુર આવી પહોંચ્યા હતા. વિરપુર પૂજ્ય બાપાના દર્શન કરી નરેશ આહીર કચ્છ માતાના મઢ તરફ જવા નીકળ્યા હતા. નરેશ આહીરે જણાવ્યું હતું કે, દર વર્ષે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોએ જઈને પ્રાર્થના કરવા માટે કોઈને કોઈ ધ્યેય અને સંદેશા સાથે આવું છું. ક્યારેક વિશ્વ શાંતિ માટે, તો ક્યારેક યુવાનોને વ્યસનમુક્તિ માટે તેમજ ધર્મના સંદેશ માટે સાઇકલ યાત્રા યોજુ છે. પરંતુ આ વર્ષે દેશના ગૌરવસમા અને હિન્દુ સમ્રાટ ભગવાન શ્રી રામના જન્મભૂમિ અયોધ્યામાં નિર્માણ પામી રહેલ શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો સંદેશો લઈને પોતાના ગામ નવસારીના એન્જલથી રાજપરા, ભાવનગર, રોહિશાળા, બગદાણા, સારંગપુર, ઘેલા સોમનાથ સહિત વિરપુરથી કચ્છ સુધી 1700 કિલોમીટર જેટલો સાયકલ પ્રવાસ ખેડી પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી જે ભૂમિ પર ભગવાન શ્રી રામ પધાર્યા હતા, તે વિરપુરથી કચ્છ ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાનો સંદેશો "હર ઘર મેં એકહી નારા ગુંજેગા, જય શ્રી રામ જય શ્રી રામ"ના હેતુસર વિરપુર પૂજ્ય બાપાના મંદિરે શીશ ઝૂકાવી પ્રાર્થના કરીને કચ્છ તરફ આગળ પ્રયાણ કર્યું હતું, ત્યારે છેલ્લા 11 વર્ષથી સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની સાયકલ યાત્રા કરતા નરેશ આહીરના સાહસને લોકો વંદન કરી રહ્યા છે.