પાલનપુરમાં પોલીસની ઓળખ આપી વેપારીને તેના મિત્ર દ્વારા જ NDPS ના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 1 લાખ 50 હજારની માંગણી કરવામાં આવી હતી.
અને જવેલર્સના વેપારી પાસે પૈસા પડાવવા તેના મિત્રએ જ કાવતરું કરી બળજબરી પૂર્વક 57 હજાર પડાવી લીધા હતા. જોકે ઘટનામાં વેપારીને છેતરાયા હોવાની ભણક આવી જતા તેઓએ પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી,અને પોલીસે બે શખ્સોને દબોચી લીધા હતા.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ બારડપુરા વિસ્તારમાં સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા અને શુકુન સોસાયટી પારપડા રોડ પર રહેતા વેપારી પ્રેયશ હેમાંગકુમાર સોનીને તારીખ 19 જૂનની રાત્રે શક્તિનગરમાં રહેતા તેમના મિત્ર રાજ દવેનો ફોન આવ્યો હતો.અને ડેરી રોડ પર આદર્શ સ્કૂલ પાસે મળવા બોલાવ્યા હતા. અને આ સમયે તેમને વાત કરવા માટે મેદાનમાં લઈ ગયો હતો. જ્યાં વેપારીના નાઈટ ડ્રેસમાં ધીમે રહીને એક પડીકી મૂકી હતી,પરંતુ વેપારી આ પડીકી જોવા જતા તેના મિત્ર રાજ દવેએ આ નાની પડીકી પરત લઈ લીધી હતી. જોકે આ સમય દરમિયાન એક અજાણ્યો ઈસમ ત્યાં આવ્યો હતો,અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી તમે નશો કરો છો અને નશાયુકત પદાર્થ રાખો છો? તેમ કહી માર મારી તેમજ વીડિયો ઉતારી NDPSના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી.અને સમાધાન પેટે 2 લાખ 50 હજારની માંગણી કરી હતી, અંતે આ સમાધાન 1 લાખ 50 હજારમાં નક્કી થયું હતું. જે રૂપિયા તબક્કાવાર વેપારી પાસેથી પોલીસની ઓળખ આપનાર તેમજ શક્તિનગર ડીપી પાસે રહેતા રાજ દવે અને હર્ષ વાસવાણીએ રોકડ તેમજ ઓનલાઈન 57 હજાર બળજબરી પૂર્વક પડાવી લીધા હતા. જો કે બાદમાં વેપારીને તેની પાસેથી પૈસા પડાવવા તેના મિત્રોએ જ કાવતરું રચ્યું હોવા અંગેની ભણક આવી જતા પોલીસની મદદ લીધી હતી.
વેપારીએ વિડિયો વાઇરલ કરવાની ધમકી આપતા આર્યન નાઈ,ભાવેશ ઠાકોર તેમજ પોલીસ તરીકેની ઓળખ આપનાર આકાશ ઉર્ફે અક્ષય ચૌધરી પાલનપુરવાળાઓ વિરુદ્ધ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે પાર્થ ઉર્ફે રાજ દવે અને આર્યન નાઈની અટકાયત કરી છે.જયારે હર્ષ વાસવાણી,આકાશ ઉર્ફે અક્ષય ચૌધરી અને ભાવેશ ઠાકોરની ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.