ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ બદલવા જઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની રેસમાં પરેશ ધાનાણી સૌથી આગળ ચાલી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત મેળવી હતી. તો બીજુ 2017માં 77 સીટો જીતેલી કોંગ્રેસને આ વખતે એટલે કે 2022માં 17 સીટો જ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 સીટ તેમજ અન્યને ફાળે 4 સીટ(3 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટી) આવી છે.
ભૂપેન્દ્ર પટેલ ફરી મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન થયા છે, તેમની સરકારના મંત્રીઓએ પણ કાર્યભાર સંભાળી લીધો છે. તો કોંગ્રેસ દ્વારા આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવાયા છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને વિધાનસભાના પક્ષના ઉપનેતા બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અમિત ચાવડાની નેતા વિપક્ષ તરીકે નિમણૂક બાદ અધ્યક્ષ બદલવાનું નક્કી માનવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ એક્શનમાં આવ્યું છે. વિપક્ષ નેતા OBC બનતા કોંગ્રેસ પાટીદાર ચહેરાને પ્રદેશ અધ્યક્ષ બનાવે તેવી શક્યતા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની રેસમાં પરેશ ધાનાણી સૌથી આગળ છે. કોંગ્રેસ હાઇકમાન્ડ પરેશ ધાનાણીને પ્રદેશ અધ્યક્ષ પદની કમાન સોંપી શકે છે.