ભવનગરમાં સર્જાય ગોઝારી દુર્ઘટના
ત્રણ માળનું જર્જરિત બિલ્ડીંગ થયું ધરાશાયી
બિલ્ડિંગના કાટમાળ નીચે ત્રણ લોકો દટાયા
યુવાનનું નીપજ્યું મોત,બે લોકો સારવાર હેઠળ
તંત્ર દ્વારા કરવામાં આવી બચાવ કામગીરી
ભાવનગર શહેરના આનંદનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી આવાસની બિલ્ડીંગ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી,સર્જાયેલી ઘટનામાં એક મહિલા સહિત ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા હતા,જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું.
ભાવનગરના આનંદનગર વિસ્તારમાં મોડી રાત્રે એક ગોઝારી દુર્ઘટના બની હતી.શહેરમાં હાઉસીંગ બોર્ડના ક્વાટર્સમાં આવેલું ત્રણ માળનું એક જૂનું અને જર્જરિત મકાન ધડાકાભેર ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દટાઈ જતાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું, મૃતકની ઓળખ કરણ સવજીભાઇ બારૈયા તરીકે થઇ હોવાનું જાણવા મળ્યું છે, જે કાટમાળ નીચે દબાઈ ગયો હતો.
ઇજાગ્રસ્તોમાં સવજીભાઈ બારૈયા અને વસંતબેનનો સમાવેશ થાય છે, જેમને તાત્કાલિક શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ અને ત્રણ જેસીબી મશીનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને કાટમાળ ખસેડી દટાયેલા લોકોને બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી.આ ગમખ્વાર દુર્ઘટનાના સમાચાર મળતાની સાથે જ જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલ, કમિશનર મીના, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રાજુ રાબડીયા સહિત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.પોલીસે આ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.