તાંદલજા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના
અકસ્માતમાં ત્રણ વ્યક્તિના કરૂણ મોત
વાસણા ગામના ત્રણના ઘટના સ્થળ પર મોત
બાઇક પર સવાર થઈ લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક તાંદલજા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર ત્રણ લોકોને અડફેટમાં લીધા હતા,આ હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ કમભાગીઓના કરૂણ મોત નિપજ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક તાંદલજા ગામ પાસે ગત તારીખ 24 નવેમ્બરની રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં બાઇક પર સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઈક 600 મીટર દૂર સુધી ફંગોળાઈ ગઇ હતી. ટક્કર મારનાર અજાણ્યો વાહનચાલક ત્રણેય લોકોને કચડીને ફરાર થઈ ગયો હતો.
મૃતકો વાસણા ગામના રહેવાસી હતા, જેમાં કનુભાઈ રોહિત, બાબરભાઈ પરમાર અને ધુરાભાઈ પરમારનો સમાવેશ થાય છે. આ ત્રણેય લોકો બાઇક પર સવાર થઈને બોડેલી ખાતે એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. જ્યારે તેઓ તાંદલજા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા અને પુરપાટ ઝડપે આવતા વાહને તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
ગંભીર ટક્કરના કારણે ત્રણેય લોકો રસ્તા પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પરિણામે ત્રણેયનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જીને વાહનચાલક તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ બોડેલી પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી માટે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા.અને બોડેલી પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.