નવસારી પુરવઠા અધિકારીના આઈડી-પાસવર્ડ થકી રૂ. 3.47 લાખની ઉચાપત કરનાર ભેજાબાજ ઝડપાયો...

જિલ્લાના ઓવાડા ગામે સ્કૂલ ફળિયામાં રહેતા ઈગલ પટેલ વલસાડ જિલ્લા પુરવઠા વિભાગમાં વર્ષ 2015થી આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો.

New Update
નવસારી પુરવઠા અધિકારીના આઈડી-પાસવર્ડ થકી રૂ. 3.47 લાખની ઉચાપત કરનાર ભેજાબાજ ઝડપાયો...

નવસારી જિલ્લા પુરવઠા અધિકારીના આઈડી-પાસવર્ડ થકી રૂ. 3.47 લાખની ઉચાપત કરનાર વલસાડ પુરવઠા વિભાગના આઉટસોર્સ કર્મચારી અને તેના સહયોગીની પોલીસે ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે.

વલસાડ જિલ્લાના ઓવાડા ગામે સ્કૂલ ફળિયામાં રહેતા ઈગલ પટેલ વલસાડ જિલ્લા પુરવઠા વિભાગમાં વર્ષ 2015થી આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. ઈગલને કોઈક કારણોથી દેવુ થઈ ગયું હતું, જેથી તેને રૂપિયાની જરૂર હતી. જોકે, સરકારી વિભાગમાં આઉટ સોર્સથી નોકરી કરતા ઈગલ પાસે રૂપિયા આવે એવી સ્થિતિ ન હતી. 9 વર્ષોથી જિલ્લા પુરવઠા વિભાગમાં કામ કરતો હોવાથી ઇગલ વિભાગની તમામ કામગીરીથી વાકેફ હતો, સાથે જ કોમ્પ્યુટર ઓપરેટર હોવાના કારણે ટેકનિકલી પણ શાર્પ હતો. આ દરમિયાન ઈગલે સસ્તા અનાજની દુકાનોને મળતા કમિશનની ફેરાફેરી કરવાનો પ્લાન ઘડી કાઢ્યો, અને વલસાડના બદલે નવસારી જિલ્લા પુરવઠા વિભાગને ટાર્ગેટ બનાવ્યું. ઇગલ એ ગત ફેબ્રુઆરી મહિનામાં જાહેરાત આપવા માટે પુરવઠા વિભાગની વેબસાઈટનો નવસારી જિલ્લા પુરવઠા અધિકારીનો આઈડી-પાસવર્ડ મેળવ્યો હતો. જેને સેવ કરી રાખ્યો હતો, અને બાદમાં તેના થકી વેબસાઈટ ઓપન કરી OTP વિના ગૂગલ હિસ્ટ્રીમાં જઈ સાઇટ ખોલી હતી, અને ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધી નવસારી જિલ્લાની 5 સહકારી મંડળીઓના એકાઉન્ટ નંબર બદલી નાખ્યા હતા.

સહકારી મંડળીઓના બેન્ક એકાઉન્ટ બદલી ઇગલે વલસાડ પુરવઠા અધિકારીની કચેરી પાસે જ ઝેરોક્ષની દુકાનમાં કામ કરતી વલસાડના મોટા ઘાંચીવાડમાં રહેતી ઝેબા ફારુક ગાબાનો SBI બેન્કનો એકાઉન્ટ નંબર નાખ્યો હતો. જેથી ઓક્ટોબરથી માર્ચ સુધીના સહકારી મંડળીઓ દ્વારા ચાલતી સસ્તા અનાજની દુકાનોનું કમિશન સીધું ઝેબાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું. આ દરમિયાન નવસારીની વિવિધ સહકારી મંડળી અંતર્ગત ચાલતી સસ્તા અનાજની 5 શાખાઓમાંથી એક શાખાનું કમિશન જમા નહીં થતા મંડળી દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસમાં પહોંચેલા સરકારી અધિકારીઓએ સમગ્ર પ્રકરણના માસ્ટરમાઈન્ડ ઇગલ પટેલને ઝડપી પાડ્યો હતો. બાદમાં તેને નવસારી નિવેદન લેવા માટે બોલાવ્યો, જેમાં પોતાની કોમ્પ્યુટર માસ્ટરીનો ઉદાહરણ આપ્યું અને ડેમો થકી પુરવઠા વિભાગની વેબસાઈટ વગર OTP વગર ખોલી બતાવી હતી. સમગ્ર પ્રકરણમાં પોલીસે આરોપી ઇગલ પટેલની ધરપકડ કરી નવસારી કોર્ટમાં રજૂ કર્યો હતો. તો બીજી તરફ, ઇગલ પટેલના કારસ્તાનમાં સહભાગી બનેલી જેબા ગાબાની પણ ધરપકડ કરવામાં આવી છે.