દિવાળીના તહેવારને લઈ રજાઓ માણવા પ્રવાસીઓ બહોળી સંખ્યામાં જુનાગઢ આવી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભવનાથ ક્ષેત્ર, ગિરનાર પર્વત અને જુનાગઢના વિવિધ પર્યટક સ્થળોની મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે.
ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા લોકોમાં જુનાગઢ ફરવા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે જુનાગઢ આવતા પ્રવાસીઓ ભવનાથ ક્ષેત્રમાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળો તેમજ રોપ-વે મારફત ગિરનાર જતા જોવા મળ્યા હતા. ગિરનાર ફરવા આવતા પ્રવાસીઓ બહોળી સંખ્યામાં રોપ-વે મારફતે માઁ અંબાના દર્શન કરવા જુનાગઢ પહોંચ્યા હતા. જોકે, ગિરનાર રોપ-વેના ચાર્જમાં કેટલીક ટિકિટોના દરમાં 10 ટકાનો ભાવ વધારો થયાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
બીજી તરફ, સરકાર દ્વારા 75 કરોડના ખર્ચે 2 વર્ષ પહેલા ઉપરકોટનું રીનોવેશન તેમજ રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું, ત્યારે નવા રંગરૂપ સાથે ઉપરકોટનો કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાતા દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓને આકર્ષવા માટે ઉપરકોટ ખાતે સાયકલિંગ, બાળકો માટે અલગ અલગ રાઈડ્સ તેમજ ખાણીપીણીના સ્ટોલનો લોકોએ આનંદ માણ્યો હતો.