સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-માલવણ રોડ પર બજાણા પાસે ટ્રેલરનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ચાલકનું મોત નિપજ્યું હતું. જેમાં ટ્રેલરના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેલર રોડ સાઈડમાં આવેલી ખાઈમા ખાબકયો હતો.
મળતી માહિતી અનુસાર, પાટડી-માલવણ રોડ પર બજાણા પાસે આવેલા રોયલ સફારી રિસોર્ટ પાસે એક ટ્રેલરનો જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં માલવણથી પાટડી થઈ અને રાજસ્થાન તરફ જતા ટ્રેલરના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ ટ્રેલર રોડ સાઈડમાં આવેલી ખાઈમા ખાબકયો હતો. ત્યારે ખાઈમાં ખાબકવાથી ટ્રેલરની કેબીનનો ફુરચો વળી જવા પામ્યો હતો. ત્યારે આ ગોઝારા અકસ્માતમાં ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ બજાણા પોલીસને થતા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી અને 108 એમ્બ્યુલન્સ મારફતે ચાલકને બહાર કાઢી પી.એમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો, ત્યારે બજાણા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ જતા થોડીવાર માટે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.