/connect-gujarat/media/post_banners/c53575931de4deac0e9b7dfb9e89d3a89cdc294d0ba51d930ce570e50fbccbf3.jpg)
ધરમપુરના રાજપુરી જંગલ ગામ નજીકનો બનાવ
છકડો રીક્ષા પલટી જતા 2 લોકોનું મોત નિપજ્યું
8 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના રાજપુરી જંગલ ગામ નજીક એક છકડો રીક્ષા પલટી જતા રિક્ષામાં સવાર 2 લોકોનું મોત નિપજ્યું હતું, જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના રાજપુરી જંગલ ગામે ગોમતી પાડા ફળિયા નજીક આવેલો ડુંગરનો ઘાટ ઉતરતી વખતે છકડો રીક્ષા અચાનક પલટી મારી ગઈ હતી.
જેમાં રિક્ષાના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા 10 ફૂટ નીચે ખાડામાં ખાબકી હતી. આ દરમિયાન ચાલક સહિત 12 લોકો રિક્ષામાં સવાર હતા. જેમાથી 8 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન બન્ને વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આમ એક સાથે 2 લોકોના મોત નિપજતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. બનાવ બાદ ધરમપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.