-
પારડી તાલુકાના મોતીયાળા ગામની ચકચારી ઘટના
-
ટ્યુશનથી પરત ફરતી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો
-
સુરત FSL પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો
-
વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરાય : પોલીસ
-
સમગ્ર મામલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીયાળા ગામમાં ઉદવાડાથી ટ્યુશનથી પરત ફરતી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે FSL PMના પ્રાથમિક રિપોર્ટમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ બાદ તેનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાળા ગામમાં એક પરિવારની 19 વર્ષીય યુવતી જે.બી.પારડીવાળા કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જે યુવતી ઉદવાડાના ટ્યુશનથી પરત ઘરે નહીં ફરતા પરિવારજનો ગભરાઈ ગયા હતા. જોકે, નજીકની આંબાવાડીમાં ગુમ યુવતીની ચપ્પલ જોવા મળી હતી. જેથી પરિવારના સભ્યોને આજુબાજુના વિસ્તારમાં યુવતીની શોધખોળ હાથ ધરી હતી.
ત્યારે આંબાવાડીમાં ઝાડ નીચે યુવતી સૂતેલી હાલતમાં જોવા મળી હતી. જેથી તેને બૂમ મારી ઉઠાડવા જતા ઉઠતી ન હતી. ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના હાજર તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતાં પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી ફોરેન્સિક PM માટે સુરત ખસેડ્યો હતો. પરિવારના સભ્યોના નિવેદન નોંધી પારડી પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.
પરંતુ ફોરેન્સિક PMનો પ્રાથમિક રિપોર્ટ આવતા પોલીસે દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ નોંધી હતી. સમગ્ર મામલે વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સુરત ખાતે કરાયેલા ફોરેન્સિક PMમાં દીકરી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે. આ બનાવ ગત તા. 14મી નવેમ્બરના 3 વાગ્યાની આસપાસ બન્યો હતો, ત્યારે હાલ તો ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે ઉદવાડા રેલવે સ્ટેશન પાસે આવેલા ટ્યૂશન કલાસ અને રસ્તાના CCTV ફૂટેજ તેમજ મૃતકના ફોનની કોલ ડિટેઈલ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.