-
ગુજરાતમાં નકલી અધિકારીઓની ભરમાર
-
નકલી પોલીસ,જજ,કોર્ટ,SDM બાદ ડે.મામલતદારની ધરપકડ
-
23 વર્ષીય યુવતી ડે.મામલતદાર બનીને કરી છેતરપિંડી
-
યુવકોને નોકરી આપવાના બહાને રૂ.9.59 લાખ પડાવી લીધા
-
પોલીસે ભેજાબાજ યુવતીની ધરપકડ બાદ તપાસ કરી શરૂ
ગુજરાતમાં નકલી પોલીસ, જજ, કોર્ટ સહિતની ભરમાર વચ્ચે વલસાડમાં નકલી ડેપ્યુટી મામલતદાર યુવતી ઝડપાઈ છે. યુવતીએ નકલી આઈ-કાર્ડ રાખીને નોકરી આપવાના બહાને ચાર યુવકો સાથે છેતરપિંડી કરી હતી,અને તેમની પાસેથી કુલ 9.59 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સમગ્ર મામલે પોલીસે 23 વર્ષીય નકલી ડેપ્યુટી મામલતદારની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જિલ્લામાં નકલી ડેપ્યુટી મામલતદાર યુવતી ઝડપાઈ હતી. આરોપી નિમિષા નાયકા પોતાને ડેપ્યુટી મામલતદાર જણાવીને નોકરી અપાવવાની લાલચે ચાર યુવકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. નિમિષા મૂળ અંબાચ ગામની છે અને હાલમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગતાડી ગામમાં રહે છે. નિમિષા વોટ્સએપના માધ્યમથી લોકોનો સંપર્ક કરીને નોકરીની લાલચ આપતી હતી.
નકલી ડેપ્યુટી મામલતદાર યુવતીએ ઉદવાડાના માનવ પટેલને કલેક્ટર ઓફિસમાં PA તરીકેની નોકરીની લાલચ આપી 4.75 લાખ રૂપિયા પડાવ્યા હતા. કપરાડાના વાજવડના ગુંજેશ પટેલ પાસેથી ડ્રાઈવરની નોકરીના બહાને રૂ.39 હજાર લઈ લીધા હતા. જ્યારે યુવતીએ બીલીમોરાના રાહુલ પંચોલી પાસેથી રૂપિયા 4.13 લાખ અને પારડીના સામરપાડાના મિલન પટેલ પાસેથી 31,800 રૂપિયા પડાવ્યા હતા.
સમગ્ર ઘટના મામલે યુવકોને નોકરી ન મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તેથી યુવકોએ આ મામલે પારડી પોલીસનો સંપર્ક કર્યો હતો. લાખોની છેતરપિંડી મામલે પોલીસે ધોરણ 12 પાસ ભેજાબાજ યુવતીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.