New Update
વલસાડ જિલ્લાના કપરાડા ખાતે ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ દિવસ નિમિત્તે કિસાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજના સાંસદ, ધારાસભ્ય, આગેવાનો સહિતના યુવાનો જોડાયા હતા.
વલસાડ જિલ્લામાં આજે ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ કિસાન રેલી યોજાઇ હતી.દર વર્ષે પહેલી સપ્ટેમ્બરના રોજ 72 વર્ષ પહેલાં થયેલા ખેડ સત્યાગ્રહની યાદમાં કિશાન રેલી યોજાય છે. ત્યારે કપરાડા તાલુકાના અરનાલા ગામમાં પારડી વિભાગ કિસાન પંચાયત પ્રેરિત કિસાન રેલીમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ,કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત વલસાડ જિલ્લાના આદિવાસી આગેવાનો જોડાયા હતા.મહત્વપૂર્ણ છે કે આઝાદી બાદ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં જમીન વિહોણા ખેત મજૂરોની હાલત દયનીય હતી.તેઓ અહીં ના માલેતુજારોની જમનીમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા.આથી વર્ષ 1953માં આ વિસ્તારના ઉત્તમભાઈ પટેલ અને ઇશ્વરભાઇ દેસાઈની આગેવાનીમાં ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ જેને ઘાસિયા સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે તે યોજાયો હતો.14 વર્ષ સુધી આ સત્યાગ્રહ ચાલ્યો હતો. ત્યાર બાદ આ વિસ્તારના 14,000 થી વધારે ગરીબ આદિવાસી ખેત મજૂર ખેડૂતોને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધીના હસ્તે જમીનોના હક મળ્યા હતા.તેથી દર વર્ષે પહેલી સપ્ટેમ્બરના રોજ ખેડ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવે છે.