વલસાડ : એક જ લગ્નમંડપમાં નાનાપોંઢાનો યુવક 2 યુવતીઓ સાથે કરશે લગ્ન, કંકોત્રી થઈ વાઇરલ...

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમાં યોજાઈ રહેલો એક લગ્નપ્રસંગ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

New Update
વલસાડ : એક જ લગ્નમંડપમાં નાનાપોંઢાનો યુવક 2 યુવતીઓ સાથે કરશે લગ્ન, કંકોત્રી થઈ વાઇરલ...

હાલ રાજ્યભરમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે, ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમાં યોજાઈ રહેલો એક લગ્નપ્રસંગ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જેમાં એક યુવકના બે-બે યુવતીઓ સાથે લગ્ન થવા જઈ રહ્યા છે. તો લગ્નની પત્રિકામાં પણ એક વર અને 2 વધુંના નામ લખવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમાં રહેતા પ્રકાશ ગામીત નામના યુવકે જણાવ્યુ હતું કે, આગામી તા. 9 મેના રોજ તેઓ 2 યુવતીઓ સાથે લગ્નના ફેરા ફરવા જઈ રહ્યા છે. એટલું જ નહીં પ્રકાશ ગામીતે અનેક રસપ્રદ હકીકતો જણાવી હતી. પ્રકાશ ગામિત ગામમાં જ રહેતી 2 યુવતીઓ સાથે છેલ્લા 14 વર્ષથી લિવ-ઈન રિલેશનમાં રહે છે. એક યુવતી સાથે અગાઉથી તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે, જ્યારે અન્ય એક યુવતી સાથે લગ્નના ફેરા ફરવાના બાકી હોવાથી તેઓએ હવે બન્ને પરિવારોના સંમતિથી લગ્ન કરવા જઈ રહ્યા છે.

જોકે, એથી પણ વિશેષ રસપ્રદ વાત એ છે કે, બન્ને પત્નીઓ થકી પ્રકાશ ગામિતને બે-બે સંતાનો છે. આમ પહેલી પત્ની સાથે અગાઉથી લગ્નના ફેરા ફરી ચુક્યા છે. પરંતુ તેમને ખોટું ન લાગે એટલા માટે આ વખતે બીજી પત્ની સાથે થયેલા લગ્નમાં લગ્નની પત્રિકામાં પહેલી પત્નીનું પણ નામ લખવામાં આવ્યું છે. સાથે જ બીજી પત્ની સાથે જ્યારે તેઓ લગ્નના ફેરા ફરશે, ત્યારે પહેલી પત્ની પણ આ લગ્નના મંડપમાં તેમની સાથે હાજર રહેશે. સાથે જ આ બન્ને પત્નીઓના થકી થયેલા 4 સંતાનો પણ લગ્નમંડપમાં હાજર રહેશે. જોકે, એક જ લગ્નમંડપમાં વરરાજા 2 યુવતી સાથે લગ્ન કરવાના હોવાથી લગ્ન પર સૌની મીટ મંડાઇ છે.

Latest Stories