વલસાડના મોટા સુરવાડા ગામમાં માત્ર 2 દિવસ પૂર્વે બનેલા નવા રોડમાં મોટો ભ્રષ્ટચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
વલસાડ નજીક આવેલા મોટા સુરવાડા ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી રસ્તાની માંગ કરવામાં આવી રહી હતી. ખખડધજ બનેલા રસ્તાના કારણે ગ્રામજનોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જેને લઈને નવા રોડની માંગ કરવામાં આવી હતી, જે બાદ જિલ્લા પંચાયત હસ્તગત ગ્રાન્ટમાંથી રૂ. 80 લાખના ખર્ચે નવા રોડનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આખા ગામમાં નવો રોડ બનતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
જોકે, માત્ર 2 જ દિવસમાં નવો બનેલ રોડ કપચી અને ડામર સાથે ઉખડી જતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી, ત્યારે આ મામલે ગ્રામજનો ભેગા મળી રોડના કાર્યમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ માત્ર પગ અને હાથ લગાડવાથી જ રોડ ઉખડતો હોય જેને લઇને હલકી ગુણવત્તાવાળું મટીરીયલ રોડના કામમાં વપરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો, ત્યારે હાલ તો તાત્કાલિક ધોરણે આ રોડ ફરીથી નવો બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
તો બીજી તરફ, વલસાડના મોટા સુરવાડા ગામે બનેલ રોડ અંગે માર્ગ અને મકાન વિભાગનો સંપર્ક કરતા નાયબ કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, આ રોડની કામગીરી હજી પ્રગતિમાં છે, અને રોડની કામગીરી હજી ચાલુ છે. પરંતુ જે પ્રમાણે રોડ અંગે ગ્રામજનોને શંકા છે, તો સ્થળ નિરીક્ષણ કરી રોડ અંગેનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ગ્રામજનોને બાહેંધરી આપવામાં આવી હતી.