સોશિયલ મીડિયામાં હીરોગીરી કરતો યુવક પારડી નગરપાલિકાનો માજી કોર્પોરેટર હોવાનું જાણવા મળ્યું છે.
વલસાડના પારડીમાં એક યુવક તીક્ષ્ણ હથિયારો સાથે અને ચાલતા વાહનોમાં જોખમી સ્ટંટ કરતા વીડિયો વાયરલ થયા હતા.જેને કારણે યુવક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.પારડીની એક હોટલના પાર્કિંગમાં યુવકે ચાલતી કારના દરવાજા પર ઉભા રહી જોખમી સ્ટંટ કર્યા હતા.આ વિડીયો વાયરલ થતા આ યુવકની હીરોગીરી વાળા સ્ટંટની રીલ ચર્ચાનું કેન્દ્ર બની હતી.
વાત પોલીસ સુધી પહોંચતા પોલીસે પણ આ યુવકની શોધખોળ હાથ ધરી હતી.અને ગણતરીના સમયમાં જ હીરોગીરી કરતા આ યુવકની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ ધરાવતો આ યુવક પારડીના ચીવલ રોડ પર આવેલી દિપકવાડીમાં રહેતા વિનેશ છીબુભાઇ પટેલ હોવાનું બહાર આવ્યું છે. વિનેશની વધુ ઓળખ કરીએ તો તે પારડી નગરપાલિકાનો માજી કોર્પોરેટર હોવાનું બહાર આવ્યું છે. નેતાગીરી કરતા આ નેતાજીને સોશિયલ મીડિયાનો ચસ્કો લાગ્યો અને હીરોગીરી કરતા વિડીયો બનાવીએ સોશિયલ મીડિયામાં અપલોડ કરી રોલો પાડવાનો પ્રયાસ કરતો હતો.
વિનેશ છેલ્લા કેટલાક સમયથી ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવી તેમાં ફિલ્મી ડાયલોગ પર ભાઈગીરી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે.આ યુવકે પારડી ની પાર નદીના કિનારે પણ હાથમાં ફરશું અને ચપ્પુ છરી જેવા તીક્ષ્ણ હથિયારો સાથે ભાઈગીરી કરતો હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.વિનેશના એકાઉન્ટ પર જોખમી સ્ટંટ કરતા અનેક વિડીયો મળી આવ્યા હતા.આથી પોલીસે યુવક વિરુદ્ધ કલેક્ટરના જાહેરનામાનો ભંગ અને જીવને જોખમમાં મૂકી જોખમી સ્ટંટ કરવા બદલ કેસ નોંધી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.