New Update
વલસાડના દરિયા કિનારે આવેલ ઉદવાડા ગામ ખાતે ચરસના પેકેટો મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઇ હતી.
એલસીબી અને એસઓજી સહિતની એજન્સીઓ દ્વારા સમગ્ર મામલે તપાસમાં શરુ કરવામાં આવી હતી. દરિયા કિનારે મળી આવેલ ચરસને લઈને જિલ્લાના દરિયા કિનારે પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશ દ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા બે ત્રણ મહિના પહેલા કચ્છ પછી દ્વારકા ત્યાર બાદ ગીર સોમનાથમાં ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસી મળી આવ્યા હતા. ત્યારે આ સિલસિલો ચાલુજ રહ્યો છે.વલસાડ જિલ્લાના પારડીના ઉદવાડાના દરિયા કાંઠે સોમવારે સાંજે બિનવારસી 11 કિલો 800 ગ્રામ ચરસના પેકેટ મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. પારડીના ઉદવાડા ગામે રોહિત કોલોની ખાતે આવેલી બાલમંદિર પાછળ દરિયા કાંઠે ગામ લોકોને એક પોટલું તણાઇ આવેલું નજરે પડ્યું હતું. જેમાં ઉર્દુ ભાષામાં લખાયેલા 10 પેકેટ સાથેનું પોટલું હતું. જે અંગેની જાણ પારડી પોલીસને કરવામાં આવતા પોલીસ ઇન્સ્પેકટર જી.આર ગઢવી સહિત એસઓજીની ટીમ દોડી ગઇ હતી. જે શંકાસ્પદ પેકેટો અફઘાની ચરસના હોવાનું મનાય રહ્યું છે.
ત્યારે પારડી પોલીસે 11 કિલો 800 ગ્રામના 10 પેકેટ ચરસનો જથ્થો કબજે લઈ FSLની મદદથી ચકાસણી હાથ ધરી છે. જોકે, પ્રથમ વખત વલસાડ જિલ્લાના દરિયા કિનારેથી મોટી માત્રામાં ચરસનો જથ્થો મળતા ATS ને પણ જાણ કરાઇ છે.વલસાડ જિલ્લો 70 કિલોમીટર નો દરિયા કિનારો ધરાવે છે. ત્યારે સૌપ્રથમ આ રીતે ચરસનો જથ્થો મળતાં પોલીસે ગંભીરતા લઈ ઉદવાડાના દરિયા કિનારા સહિત જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે. દરિયા કિનારે કિનારે ફરી પોલીસ જવાનો હજુ પણ કોઈ શંકાસ્પદ ચરસનો જથ્થો મળે છે કે તેમ તે અંગે તપાસ શરૂ કરી છે.
Latest Stories